Chhota Udepur News: છોટાઉદેપુરના છેવાડાના મોરખલા ગામના લોકોને હવે આ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. ગામની દીકરી સુષ્માબેન રાઠવા ‘બેંક સખી’ બનીને ઘરઆંગણે જ નાણાકીય સેવાઓ પૂરી પાડી રહ્યાં છે, જેનાથી ગ્રામજનોના સમય અને નાણાં બંનેની બચત થઈ રહી છે.
બેન્ક સખી સુષ્માબેન રાઠવાએ જણાવ્યું કે, છોટાઉદેપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ક્રાંતિ ગ્રામીણ જીવનને વધુ સરળ અને સુગમ બનાવી રહી છે. મોરખલા ગામનાં સુષ્માબેન પોતાના ઘરેથી જ ‘બેંકિંગ કોરેસ્પોન્ડન્ટ સેન્ટર’ ચલાવીને ગ્રામજનો સુધી આવશ્યક સેવાઓ પહોંચાડી રહ્યાં છે.
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) હેઠળ સખી મંડળ મારફતે તાલીમ મેળવીને તેમણે આ કેન્દ્ર શરૂ કર્યું છે. અગાઉ લોકોને નાણાં જમા કરાવવા કે ઉપાડવા માટે બોડેલી અથવા સૂર્યઘોડા સુધી જવું પડતું હતું. જોકે, હવે મોરખલા અને વંદડ સહિત આસપાસના ગ્રામજનોને રોકડ વ્યવહારથી લઈને KYC સુધીની તમામ સુવિધાઓ ગામમાં જ ઉપલબ્ધ થઈ રહી છે.
આ પહેલ છેવાડાના વિસ્તારો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવાની સાથે-સાથે આદિવાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવીને ડિજિટલ સશક્તિકરણની નવી રાહ ચીંધી રહી છે.
