Farmers Electricity Demand: કાકરાપાર જમણા કાંઠા નહેરની ક્ષમતા વધારવા માટે નવીનીકરણને કારણે તા.15-11-2026થી 90 દિવસ નહેર બંધ રાખવામાં આવી છે. ત્યારે નહેરના પાણીના અભાવે ખેતી હવે સંપૂર્ણપણે બોરવેલ અને ટ્યુબવેલના પાણી પર નિર્ભર બની છે. જો કે હાલ ખેડૂતોને ખેતી માટે મળતી આઠ કલાકની બીજલીમાં પૂરતા પ્રમાણમાં પાણી ખેચવું મુશ્કેલ બનતા પાકને નુકશાન થવાની ભીતિ વધી છે. આ પરિસ્થિતિમાં નહેર બંધ રહે ત્યાં સુધી ખેડૂતોને 8 કલાકને બદલે 12 કલાક વીજળી આપવાની માંગ સાથે ખેડૂત આગેવાન જયેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
12 કલાક વીજળી આપવા માંગણી
ખેડૂત આગેવાન જયેશ દલાડએ જણાવ્યું હતું કે, સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઉકાઈ કાકરાપાર સિંચાઈ યોજના જીવાદોરી સમાન છે. રિનોવેશન માટે કાકરાપાર જમણા કાંઠા 90 દિવસ માટે બંધ રહેવાની છે અને કાંકરા પાર ડાબા કાંઠા પણ 30 થી 35 દિવસ બંધ રહેવાની છે. આના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતની લગભગ 2 લાખ હેક્ટર જમીન સિંચાઈને પ્રભાવિત થશે અને 90 દિવસ નહેર બંધ રહેશે. ત્યારે મુખ્ય પાક શેરડી, શિયાળુ પાકની રોપણી થઇ છે. સાથે સાથે શાકભાજીની પણ પણ ખેતી છે. એટલે ખેડૂતોને પાણીની તાતી જરૂરિયાત છે, બીજી તરફ ટ્યુબવેલ થકી ખેડૂતો પાણીથી સિંચતાં હોય છે અને તેમાં 8 કલાક વીજળી અપાઈ રહી છે. જો 12 કલાક વીજળી આપવામાં આવે તો સ્વભાવિક છે કે, ખેડૂતો વધુ પાણી ખેતરોમાં પીવડાવી શકે તે અનુસંધાને મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોની વેદના જણાવી છે.
મુખ્યમંત્રીને પત્ર લખી વિનંતી કરી
અમારા વિસ્તારમાં હાલ નહેરનું પાણી બંધ થઈ ગયું છે. જેના કારણે અમારો આખો પાક માત્ર બોરવેલ અને મોટરના પાણી પર આધારિત થઈ ગયો છે. હાલમાં ખેતી માટે સરકાર તરફથી માત્ર 8 કલાક વીજળી મળે છે, જે બોરવેલથી પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે પૂરતી નથી. પાકને સમયસર પાણી ન મળવાથી ડાંગર શેરડી અને શાકભાજી જેવા પાકો સુકાવા લાગ્યા છે અને ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ છે. તેથી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે, નહેરનું પાણી ફરીથી ચાલુ ન થાય ત્યાં સુધી ખેડૂતોને ખેતી માટે મળતી વીજળી 8 કલાકમાંથી વધારીને 12 કલાક કરવામાં આવે જેથી ખેડૂતો પોતાના પાકને બચાવી શકે. આપશ્રી આ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરશો તેવી અમને સંપૂર્ણ આશા છે.
પૂરતું પાણી ન મળવાથી પાકને નુકસાનની ભીતિ
વધુમાં જણાવવાનું કે, કાકરાપાર નહેર યોજના દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોના જીવાદોરી સમાન છે. કાકરાપાર જમણા કાંઠા નહેરની ક્ષમતા વધારવા માટે નવીનીકરણને કારણે તા.15-11-2026 થી 90 દિવસ નહેર બંધ રાખવામાં આવેલ છે. નહેર બંધ થવાથી જમણા કાંઠામાં સુરત જિલ્લાના માંગરોળ, માંડવી, ઓલપાડ, કામરેજ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા તાલુકાની 1,55,900, હેક્ટર જમીનમાં ખેતી કરવામાં આવે છે. સમયસર પુરતા પ્રમાણમાં પાણી ન મળવાથી ખેતી પાકને નુકસાન થશે .
નહેર 35 દિવસ બંધ હોવાથી ખેડૂતો અસરગ્રસ્ત
તેમજ કાકરાપાર જમણા કાંઠાની નહેર પણ 35 દિવસ બંધ હોવાથી તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ બારડોલી, મહુવા, પલસાણા તાલુકાના ખેડૂતોને પણ અસર થશે . નહેરના પાણી બંધ થવાના વિકલ્પ તરીકે ખેડૂતોને ટ્યૂબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે મોટર પંપ ચલાવવા વધુ વીજળીની જરૂર પડે છે. ભૂગર્ભ જળ ઉંડા જતા વીજળીની વધુ જરૂરિયાત હોય આપવામાં આવતી વીજળીનાં 08.00 કલાકની જગ્યાએ વધારાનાં બીજા 04.00 કલાક ફાળવી કુલ 12 કલાક વીજળી આપવા નમ્ર વિનંતી છે. જેથી ખેડૂતો તેમના પાકને બચાવી શકે.
