Heavy Rain In Gujarat: હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગત ગુરુવારથી ગુજરાતના અલગ-અલગ ભાગોમાં છૂટોછવાયો વરસાદ નોંધાઈ રહ્યો છે, ત્યારે આજે વરસાદનું જોર અને તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના ભાગોમાં ધીમીધારે વરસાદ વરસતો હતો. જો કે હવે જેમ-જેમ બંગાળની ખાડીની સિસ્ટમ નજીક આવતી જાય છે, તેમ-તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તાર વધી રહ્યા છે. આજે લગભગ સવા મહિના બાદ એક દિવસમાં રાજ્યના 100થી વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ગુજરાતના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી આંકડા અનુસાર, આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 73 મી.મી (2.8 ઈંચ) વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, વીતેલા 2 કલાકમાં જ ઉમરપાડામાં 66 મી.મી વરસાદ તૂટી પડ્યો હતો.
આ સિવાય નર્મદા જિલ્લાના તિલકવાડામાં 73 મી.મી. (2.09 ઈંચ), પંચમહાલના મોરવાહડફમાં 52 મી.મી (2.05 ઈંચ), ડાંગમાં 49 મી.મી (1.9 ઈંચ), સુબીર તાલુકામાં 49 મી.મી (1.9 ઈંચ), ખેડાના નડિયાદમાં 47 મી.મી (1.8 ઈંચ), નર્મદાના સાગબારામાં 46 મી.મી (1.8 ઈંચ), આણંદમાં 43 મી.મી (1.6 ઈંચ), છોટા ઉદેપુરના સંખેડામાં 42 મી.મી (1.6 ઈંચ) તેમજ દાહોદના લીમખેડામાં 39 મી.મી (1.5 ઈંચ) વરસાદ પડ્યો છે. આમ આખા દિવસ દરમિયાન રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ તેમજ 3 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા 9 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાતે 8 થી 11 વાગ્યા સુધીનું લેટેસ્ટ નાઉકાસ્ટ જારી કરવામાં આવ્યું છે. આ ત્રણ કલાકના સમયગાળામાં 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે-સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ સહિત 17 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
