સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતાઃ હરણી ગેંગના બે સાગરિતો ઝડપાયા, સુરત અને નવસારીમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, રૂ.1.90 લાખ કબજે

સુરત ક્રાઈમ બ્રાન્ચે હરણ ગેંગના બે સભ્યો પંકજ ગોસ્વામી અને પવન પાસવાનને ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી સુરતના અલથાણ અને નવસારીમાં થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, જેમાં રૂ. 1.90 લાખ રોકડા અને એક બાઇક જપ્ત કરાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 20 Sep 2026 06:21 PM (IST)Updated: Sun, 20 Sep 2026 06:21 PM (IST)
harani-gang-busted-in-surat-crime-branch-arrests-2-accomplices-recovers-stolen-cash

Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે હરણ ગેંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી પસ્તીની દુકાનમાં થયેલી ચોરી તેમજ નવસારી બસ ડેપો પાસેથી થયેલી બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બોટનિકલ ગાર્ડન પાસેથી આરોપી પંકજ મનોજભારતી ગોસ્વામી અને પવન સંજયકુમાર પાસવાનને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી એક બાઇક તેમજ 1.90 લાખ રોકડા રૂપિયા કબજે કર્યા હતા.

પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, પંકજે તેના બે મિત્રો સાથે મળીને બે ત્રણ દિવસ પહેલા સુરતના અલથાણ વાસ્તુ ડિસ્કવરી ખાતે આવેલી શિવશક્તિ પસ્તીની દુકાનનું શટર તોડી તેના ગલ્લામાંથી 1.90 લાખ રોકડા રૂપિયા ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વધુમાં બાઇક અંગે પોલીસે પૂછપરછ કરતા આજથી દસેક દિવસ પહેલા પવન પાસવાન તેના મિત્ર સાથે મળી નવસારી બસ ડેપોની સામે આવેલા કે.કે. પ્લાઝાના પાર્કિંગમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસ તપાસમાં સુરતના અલથાણ પોલીસ મથકનો અને નવસારી ટાઉન પોલીસ મથમમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, હરણ ગેંગના સભ્યો ગળાના નીચેના ભાગમાં હરણના મોઢાનું ટેટૂ કરાવે છે. તેમજ સાંજના સમયથી મિત્રો સાથે મોટર સાયકલ પર ફરતા ફરતા રસ્તા પર આવેલી દુકાનોને ટાર્ગેટ કરી વહેલી સવારે તમામ માણસો ભેગા મળી શટરને વચ્ચેના ભાગથી ઊંચકીને અંદર દાખલ થઈને ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.

વધુમાં પકડાયેલા આરોપી પંકજ મનોજભારતી ગોસ્વામી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, તેની સામે રાંદેર પોલીસ મથકમાં ખૂન, તેમજ પ્રોહીબીશન અને પાલ પોલીસ મથકમાં ચોરીનો એક ગુનો મળી કુલ 3 ગુના અગાઉ નોંધાયેલા છે.