Surat: સુરતની સિંગર અને પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન (Arti Sangani Love Marriage) કરતાં વિવાદ વકરી રહ્યો છે. ખુદ આરતી સાંગાણીએ વીડિયો સંદેશ થકી પોતાના પ્રેમલગ્નનો વિરોધ કરી રહેલા લોકોને રોકડું પરખાવ્યું હતુ. એવામાં આજે ભારે હૈયે આરતી સાંગાણીના પિતાએ પણ પોતાની વ્યથા ઠાલવી છે. આ સાથે જ તેમણે પોતાની દીકરીને ઘરે પરત ફરવા માટે અપીલ કરી છે.
આરતી સાંગાણીના પિતાએ ભીની આંખો પોતાની દીકરીને અપીલ કરતાં જણાવ્યું કે, આરતી સમજીને ઘરે પરત ફરે અને પોતાની ભૂલ સુધારી લે. આખરે આ વિવાદનો અંત આવવો જોઈએ. સમાજ પણ દીકરીની ભૂલ માફ કરવાની ઈચ્છા રાખે છે. તારા (આરતી) જે પણ સપના છે, તેને પુરા કરવા માટે હું સક્ષમ છું. તે મને વિશ્વાસ અપાવ્યો હતો કે, હું તમારો દીકરો જ છું. હું હજુ પણ તને દીકરા તરીકે જ અપનાવવા માટે તૈયાર છું.
આ પણ વાંચો
અમે પોલીસ સ્ટેશનમાં આરતી ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી
વધુમાં આરતીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી સુરતથી મેંદરડા કાર્યક્રમ કરવા ગઈ હતી. જ્યાંથી મોરબીનો પ્રોગ્રામ હતો. જો કે બીજો પ્રોગ્રામ નક્કી થતાં આરતી ભાવનગર પહોંચી હતી.
ભાવનગરના કાર્યક્રમ પતી ગયા પછી બીજા દિવસે આરતીએ મને વીડિયો કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું અહીંથી સાંજે નીકળીશ અને બીજા દિવસે સવારે સુરત ઉતરીશ.
જો કે તે પછી આરતીનો ફોન સ્વીચ ઑફ થઈ ગયો. અમે બે દિવસ સુધી અમારી રીતે આરતીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની કોઈ ભાળ ના મળી. આખરે અમે પોલીસ સ્ટેશનમાં આરતી ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
આરતીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો
મારા વિરોધને પગલે આરતીએ મને વિશ્વાસ આપ્યો હતો. જો કે આરતીએ પ્રેમલગ્ન કરીને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. આમ છતાં તે હજુ પણ મારી દીકરી જ છે. હું તેની તમામ ભૂલો માફ કરી દેવા માટે તૈયાર છું, બસ તે એકવાર ઘરે પરત ફરે.
આરતીને પોતાના પ્રોગ્રામના તબલા વાદક સાથે પ્રેમપાંગર્યો
સુરતમાં રહેતી અને પાટીદાર સમાજમાંથી આવતી આરતી સાંગાણીના પિતા સાડીના જૉબ વર્કનું કામ કરે છે. આરતીના પરિવારની વાત કરીએ તો, તે પાંચ બહેનો અને એક ભાઈ છે. જ્યારે આરતીએ જેની સાથે લવમેરેજ કર્યાં તે દેવાંગ ગોહિલ મૂળ રાજકોટના ગોંડલનો વતની છે. દેવાંગ ગોહિલ આરતીના કાર્યક્રમમાં તબલા વગાડવાનું કામ કરે છે. જેના કારણે દોઢેક વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
આખરે આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કરતાં તેનો પરિવાર તેમજ પાટીદાર સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, તારા કારણે પરિવાર અને પાટીદાર સમાજને નીચું જોવું પડ્યું છે. પાટીદાર સમાજમાં છોકરાઓ ક્યા ઓછા હતા, તો પ્રેમલગ્ન કરવા પડ્યા. હવે અટક પણ બદલી નાંખો.
