Dhruvin Shah: ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે જાણીતા ગાયિકા કિંજલ દવે સાથે સગાઈ કરીને લાઈમલાઈટમાં આવેલા અને જાણીતા ઉદ્યોગપતિ ધ્રુવિન શાહે બિઝનેસ ક્ષેત્રે એક અનોખી અને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ધ્રુવિન શાહની કંપની 'શુક્ર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ' (Shukra Pharmaceuticals Limited) નું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર સત્તાવાર રીતે લિસ્ટિંગ થઈ ગયું છે. આ ઐતિહાસિક સફળતા બાદ ધ્રુવિન શાહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે.
ધ્રુવિન શાહની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ
પોતાની કંપનીના આ મહત્વપૂર્ણ માઈલસ્ટોન પર ધ્રુવિન શાહે હિન્દી શાયરીની પંક્તિઓ લખીને પોતાની સફર અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. લખ્યું કે, "અભી તો અસલી ઉડાન બાકી હૈ, અભી તો પરિંદે કા ઇમ્તિહાન બાકી હૈ, અભી-અભી લાંઘા હૈ હમને સમંદરો કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ!"
તેમણે આગળ લખ્યું હતું કે, 14 ઓગસ્ટ 2026ના રોજ શુક્ર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે NSE પર લિસ્ટ થઈને એક નવો અધ્યાય શરૂ કર્યો છે. આ ક્ષણ તેમની સમગ્ર સફર માટે એક ગર્વ સમાન અને મહત્વપૂર્ણ તબક્કો છે.
MedTech અને 'મેક ઇન ઇન્ડિયા' પર વિશેષ ભાર
ધ્રુવિન શાહે કંપનીના ભવિષ્યના વિઝન અંગે વાત કરતાં જણાવ્યું કે, શુક્ર ફાર્માસ્યુટિકલ્સ હવે મજબૂત રીતે 'મેડટેક-ફર્સ્ટ' (MedTech-first) ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય અદ્યતન આરોગ્ય સંભાળ અને તબીબી સુવિધાઓને સામાન્ય જનતા સુધી સરળતાથી અને વાજબી ભાવે પહોંચાડવાનો છે.
ભારત સરકારના 'મેક ઈન ઈન્ડિયા' (Make in India) અભિયાનને આગળ ધપાવતાં, તેઓ દેશમાં જ વિશ્વસ્તરીય હેલ્થકેર સોલ્યુશન્સ વિકસાવવા માટે કટિબદ્ધ છે. આ સિદ્ધિ બદલ તેમણે કંપનીના શેરધારકો, કર્મચારીઓ, ભાગીદારો અને તમામ સ્ટેકહોલ્ડર્સના સપોર્ટ તથા સખત મહેનતનો આભાર માન્યો હતો.
અગાઉ કિંજલ દવે સાથે સગાઈના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેલા ધ્રુવિન શાહ હવે કોર્પોરેટ જગતમાં એક સફળ બિઝનેસમેન તરીકે પોતાની અલગ ઓળખ બનાવી રહ્યા છે અને તેમની આ સિદ્ધિ બદલ ફેન્સ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
