Surat: હાલના દિવસોમાં ગુજરાતી 'ગરબા ક્વિન' કિંજલ દવેએ (Kinjal Dave) આંતરજ્ઞાતિય યુવક ધ્રુવિન શાહ (Dhruvin Shah) નામના યુવક સાથે સગાઈ કરતાં બ્રહ્મ સમાજે તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે. એવામાં હવે સુરતની ગાયિકાએ પ્રેમલગ્ન કરતાં પાટીદાર સમાજમાં ઉહાપોહ મચી ગયો છે. આ મામલે ખુદ સિંગરે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાનો વિરોધ કરી રહેલા લોકો પર જ સવાલ ઉઠાવ્યા છે.
પાટીદાર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ સાથે પ્રેમલગ્ન કર્યાં
હકીકતમાં પાટીદાર સમાજમાંથી આવતી સુરતની જાણીતી સિંગર આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા છે. આરતીએ બીજા સમાજના યુવક સાથે લગ્ન કરતાં કેટલાક પાટીદાર સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. જેને લઈને આરતી સાંગાણી ખુદ સામે આવી છે અને તેણે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાના વિરોધીઓને જવાબ આપ્યો છે.
આ પણ વાંચો
શું દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ હક્ક નથી?
આરતી સાંગાણીએ પોતાના પતિ દેવાંગ ગોહિલની સાથે એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ કર્યો છે. જેમાં આરતી સાંગાણી કહી રહી છે કે, અમે બન્ને એકબીજાને સારી રીતે સમજીએ છીએ. હું અને દેવાંગ એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. શું પ્રેમ કરવો કોઈ ગુનો છે?
મારે પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ કરીને આજની યુવા પેઢીને કહેવું છે કે, તમે 'બેટી બચાવો અને બેટી પઢાઓ'ના નારા લગાવો છો, તો શું એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો કોઈ અધિકાર નથી. મારી ગાયિકા તરીકેની સફરમાં મને અઢારે વર્ણનો સાથ મળ્યો છે. હવે જો મારા આ પગલાંથી કોઈની લાગણી દુભાઈ હોય, તો હું દિલથી માફી માંગુ છું. અમારી આ આઝાદી અને જીવવાના અધિકારને આપ સૌ સમજશો.
દીકરીએ પોતાની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો: અલ્પેશ કથીરિયા
આરતી સાંગાણીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં છે, જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરીને તેના આ પગલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે.
માત્ર પાટીદાર જ નહીં, અન્ય સમાજના આગેવાનો પણ લગ્નની નોંધણીના કાયદામાં સુધારો કરવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છીએ. આરતીએ પ્રેમલગ્ન કર્યાં, તેનાથી તેના પરિવારના સભ્યો ખૂબ જ દુઃખી છે. આથી સમાજને પણ ચિંતા થાય તે સ્વાભાવિક છે.
મારે આરતીને એટલું જ કહેવું છે કે, જ્યારે એક સિંગર તરીકે આખી રાત ઘરની બહાર રહીને કાર્યક્રમો કરો છો. માતા-પિતાએ તમને સ્વતંત્રતા આપી છે, ત્યારે તેનો દુરુપયોગ કર્યો છે. આ ઘટનાના કારણે અન્ય દીકરીઓની સ્વતંત્રતા પર પણ કાપ મૂકાઈ શકે છે.
