Surat: સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વિવિંગ, ટેક્નિકલ ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી સેક્ટરની ફાઇલોને મંજૂરી આપવામાં આવી હતી. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં નવા રોકાણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલિસી-2024 હેઠળ 627 એકમોની ફાઇલો મંજૂર કરવામાં આવી છે.
આ એકમોમાં કુલ રૂ.1521.51 કરોડનું રોકાણ થયું છે, જેની સામે આગામી પાંચ વર્ષ દરમિયાન અંદાજે રૂ.300 કરોડની સબસિડીનો લાભ મળશે. તેમાં વ્યાજ સહાય, પાવર ટેરિફ સબસિડી અને કેપિટલ સબસિડીનો સમાવેશ થાય છે. આ પોલિસી દ્વારા 3500થી વધારે લોકોને રોજગારી મળી છે. આ પોલિસી અંતર્ગત એક્ટિવીટ વન હેઠળની પ્રવૃતિઓને બુસ્ટ કરવા માટે વિશેષ સહાય જાહેર કરવામાં આવી છે. જે આ પોલિસી દ્વારા બુસ્ટ મળશે.
ગુજરાત સરકારની ટેક્સટાઈલ પોલિસીનો અમલ 1 ઓક્ટોબર 2024 થી તા.30 સપ્ટેમ્બર 2029 સુધી છે. પોલિસી હેઠળ એક્ટિવિટી-1માં ગારમેન્ટ, એપેરલ, મેડ-અપ્સ અને ટેક્નિકલ ટેક્સટાઈલનો સમાવેશ થાય છે, જ્યારે એક્ટિવિટી-2માં વિવિંગ, નિટિંગ, ડાઈંગ-પ્રોસેસિંગ, ટેક્સચરાઇઝિંગ, ટ્વિસ્ટિંગ અને એમ્બ્રોઈડરી જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
આ બંને કેટેગરીમાં એકમના સ્થળ પ્રમાણે કેપિટલ સબસિડીના દર અલગ છે. એક્ટિવિટી-1 માટે 20 થી 35 ટકા અને એક્ટિવિટી-2 માટે 10 થી 20 ટકા સુધી કેપિટલ સબસિડીની જોગવાઈ છે. આ ઉપરાંત વ્યાજ સબસિડી એક્ટિવિટી-1માં 5 થી 7 ટકા અને એક્ટિવિટી-2માં 5 થી 7 ટકા સુધી મળે છે. એકમોને વીજ વપરાશ સામે પ્રતિ યુનિટ રૂ.૧ની પાવર ટેરિફ સબસિડી પણ પાંચ વર્ષ સુધી આપવાની જોગવાઈ છે.
સુરત જિલ્લામાં એકમના સ્થળ પ્રમાણે તાલુકાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ઉમરપાડા અને મહુવા કેટેગરી-1માં, માંડવી અને બારડોલી કેટેગરી-1માં, જ્યારે સુરત શહેર સહિતના અન્ય તાલુકાઓ કેટેગરી-3માં આવે છે. આમ, એક જ સેક્ટરમાં કામ કરતા એકમોને પણ તેમના સ્થળ અને પાત્રતા પ્રમાણે અલગ-અલગ સબસિડી મળી શકે છે. 627 એકમોની મંજૂરીથી સુરતના વિવિંગ, ટેક્નિકલ ટેક્સટાઈલ અને એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં મૂડીરોકાણને વેગ મળવાની સાથે ઉત્પાદન ક્ષમતા અને રોજગારીની તકો વધવાની અપેક્ષા છે.
