Surat News: દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને સુરતથી રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સમગ્ર વર્ષ દરમિયાન કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અને ગેરમાર્ગે દોરનારા તત્વોને ક્યારેયસાંખી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ડુપ્લીકેટ ઘી, એનાલોગ પનીર, ચીઝ, બટર તેમજ ભેળસેળયુક્ત ટોમેટો સોસ અને પામ ઓઈલનો ઉપયોગ કરી ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ અને એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નાગરિકોના આરોગ્યની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ પ્રકારના દૂષણોને જડમૂળમાંથી ડામવા તંત્ર સજ્જ છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, આગામી સમયમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના મામલે ગુજરાત સમગ્ર દેશ માટે એક ઉત્તમ 'રોલ મોડલ' સાબિત થશે. રાજ્ય સરકારના આ સઘન અને પારદર્શક અભિયાનથી બજારમાં શુદ્ધ અને સાત્વિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
વધુમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, બજારમાં ગેરમાર્ગે દોરતા પ્લાસ્ટિક રેપર પર માત્ર 'ઘી' લખીને વેચાતા પામ ઓઈલ જેવા ઉત્પાદનો સામે કાયદેસરના કેસ ઉત્પાદકોને છોડવામાં નહીં આવે. હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટ્રીટ પર સ્વચ્છતાના ધોરણો અને SOP નું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે, તેમજ સીલ ખોલીને માલની હેરાફેરી કરનારા લોકો સામે પોલીસ સહયોગથી FIR દાખલ કરવામાં આવશે.
બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાલી રહેલી દંડાત્મક અને સેમ્પલિંગ કામગીરીની સમીક્ષા કરવા તથા ઈમરજન્સીસેવાઓને વધુ સુગ્રથિત કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં આરોગ્યના પ્રાદેશિક નાયબ નિયામકો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
