સુરત: દિવાળી પર GSRTCની વિશેષ એક્સ્ટ્રા બસ સેવા શરૂ, જાણો કયા સ્થળેથી મળશે બસ!

GSRTC સુરત વિભાગે દિવાળી માટે 1500 થી વધુ વધારાની બસો શરૂ કરી છે, જેથી નાગરિકો સરળતાથી વતન જઈ શકે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બસ સેવાઓનું નિરીક્ષણ કર્યું અને મુસાફરોને સુખદ પ્રવાસની શુભેચ્છા પાઠવી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 07 Nov 2026 12:21 PM (IST)Updated: Sat, 07 Nov 2026 12:21 PM (IST)
surat-gsrtc-diwali-extra-bus-service-2026-saurashtra-dahod-panchmahal-praful-pansheriya

Surat GSRTC Diwali Bus: દિવાળીના પાવન પર્વે દરેક નાગરિક વતનમાં પરિવારજનો સાથે તહેવારની ઉજવણી કરી શકે અને સલામત રીતે વતન પહોંચી શકે તેવા હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC), સુરત વિભાગ દ્વારા ‘દિવાળી એક્સ્ટ્રા બસ’ સેવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

દિવાળી પૂર્વે 1500 બસોનું સંચાલન

તહેવારો દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાને રાખી સુરત વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ સહિતના વિવિધ વિસ્તારો તરફ જતા મુસાફરો માટે 1,500થી વધુ વધારાની બસો દોડાવાઈ રહી છે, ત્યારે આજે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધારુકા કોલેજ, વરાછા રોડની મુલાકાત લઈ એક્સ્ટ્રા બસ સેવાની વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ બસમાં મુસાફરી કરી રહેલા નાગરિકો સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરી મુસાફરલક્ષી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી તથા સૌને સુખદ અને સલામત પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વિશેષ બસ સેવાનો લાભ લેવા અપીલ

મંત્રીએ વધુમાં વધુ મુસાફરોને આ વિશેષ બસ સેવાનો લાભ લેવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, તહેવારોના અવસરે નાગરિકો સરળતાથી અને સમયસર વતન પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર અને એસ.ટી. નિગમ દ્વારા સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા, સુરક્ષા અને સમયસર પરિવહન માટે નિગમના કર્મચારીઓ અને અધિકારીઓ સતત સેવા આપી રહ્યા છે.

સુરતના આ સ્થળોએથી ઉપડે છે એક્સ્ટ્રા બસો

તા.7/11/2026 સુધી સાંજે 04.00થી રાત્રે 10.00 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એકસ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ, વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ, ગોધરા, ઝાલોદ, પંચમહાલ તરફનું સંચાલન એસ.ટી. સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી સ્ટેન્ડમાંથી અને રામનગર, રાંદેર રોડથી શરૂ છે. આ ઉપરાંત, ટ્રાફિકના ધસારાને ધ્યાને લઈ તા.08/11/2026 થી તા.15/11/2026 (લાભ પાંચમ) સુધી વડોદરા અને અમદાવાદની એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી મળશે.