Governor Acharya Devvrat Surat visit: સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રથમ દિવસની રાત્રીએ ઓલપાડ તાલુકાની જીણોદ ગામ પંચાયતના પટાંગણમાં 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અંતર્ગત એક વિશેષ રાત્રીસભા યોજી હતી. જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ પર ભાર મૂક્યો હતો.
ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો
આ સભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધીને ગામની એકતા અને સમરસતાના વખાણ કર્યા હતા, તથા ભાઈચારાને ધરતી પરના સ્વર્ગ સમાન ગણાવ્યો હતો. રાજ્યપાલએ જીણોદ ગામને આદર્શ ગામ બનાવવા માટે મુખ્યત્વે સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત ગામ અને શિક્ષણ જેવા ચાર મુદ્દાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.
વૃક્ષારોપણ અને સ્વચ્છતા: 'એક પેડ માં કે નામ'
પર્યાવરણની રક્ષા કરનારા હંમેશા મહાન હોય છે તેમ જણાવતા રાજ્યપાલએ સફાઈ કરવામાં ક્યારેય શરમ ન અનુભવવાની સલાહ આપી હતી. વડાપ્રધાનના 'એક પેડ માં કે નામ' અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે ગ્રામજનોને અઠવાડિયામાં એક દિવસ શેરી અને ગામની સફાઈ કરવા તથા વૃક્ષોને પાણી પીવડાવવા જણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુમાં ગ્રામજનોને અપીલ કરી હતી કે, દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસ અથવા લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ એક વૃક્ષ રોપવાનો સંકલ્પ લેવો જોઈએ અને આગામી વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં ઓક્સિજનની અછત નિવારી શકાય.
સાત્વિક આહાર અને વ્યસન મુક્તિ
સારા સ્વાસ્થ્ય માટે જંક ફૂડને બદલે સાત્વિક આહાર લેવાની અનિવાર્યતા સમજાવતા રાજ્યપાલએ વ્યસન મુક્તિ પર કડક સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે તમાકુ, દારૂ કે ગુટકા જેવા વ્યસન કેન્સર જેવી ભયંકર બીમારીઓનું મૂળ છે. આ બીમારીઓની સારવાર પાછળ પરિવારની આર્થિક સ્થિતિ ડામાડોળ થાય છે અને પરિવાર દુઃખી થાય છે, તેથી આવા વ્યસનોથી દૂર રહેવું હિતાવહ છે.
આ પણ વાંચો: VGRC 2026: સુરતમાં રૂ. 3.53 લાખ કરોડના 2792 MoU થયા, 3 વર્ષમાં 2.82 લાખ યુવાનોને રોજગારી મળશે
સંસ્કારી બાળક જ સંપત્તિ સાચવી શકશે
બાળકોના શિક્ષણ અને સંસ્કાર અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, જો સંતાનો સંસ્કારી અને વ્યસનમુક્ત હશે તો જ દેશ અને સમાજ સુરક્ષિત રહેશે. તેમણે એક મર્મભેદી વાત કરતા જણાવ્યું કે, જો બાળક શિક્ષિત અને સંસ્કારી હશે તો તે ધન એકઠું કરી લેશે, પરંતુ જો તે વ્યસની બનશે તો ભેગું કરેલું ધન પણ વેડફી દેશે. તેમણે યુવા પેઢીને વડીલોની આજ્ઞાનું પાલન કરવા અને વેદોમાં દર્શાવેલા પ્રાચીન સંસ્કારોના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.
'પ્રાકૃતિક કૃષિ' અપનાવવા કરી અપીલ
જીણોદ ગામના ખેડૂતોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ યુરિયા અને ડીએપી (DAP) જેવા હાનિકારક રાસાયણિક ખાતરોનો ત્યાગ કરવા જણાવ્યું હતું. તેના બદલે તેમણે ખેડૂતોને 'પ્રાકૃતિક કૃષિ' અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન કરીને પોતાની આવક વધારવા માટે અપીલ કરી હતી.
