Surat: સુરતની ઓરો યુનિવર્સિટીમાં તા.1 અને 2 મે દરમિયાન આયોજિત બે દિવસીય ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ- દક્ષિણ ગુજરાત'નું આજે સમાપન થયું. આ કોન્ફરન્સ દરમિયાન રૂ.3,53,306 લાખ કરોડના 2792 MoU થયા હોવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સમાપન સત્રમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસ માટે જે પાયો નંખાયો છે, તેનાથી આ પરિક્ષેત્ર આગામી સમયમાં મોટી આર્થિક છલાંગ લગાવવા તૈયાર થયો છે.
ગુજરાત દેશની કુલ જીડીપીમાં 8 ટકા ફાળો આપે છે. મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 17 ટકા, મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટમાં 27 ટકા અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત 40 ટકા હિસ્સો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે માત્ર આર્થિક પ્રગતિ જ નથી કરી, પરંતુ સ્વબળે વિશ્વના એક સ્પર્ધાત્મક અને કનેક્ટેડ ઈકોનોમિક એન્જિન તરીકે પ્રસ્થાપિત કરી છે.
નીતિ નિર્ધારકો હકારાત્મક નીતિઓથી મોટા બદલાવ લાવી શકે છે તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, અગાઉ ઉદ્યોગપતિઓ અને સરકાર વચ્ચે અંતર હતું, પરંતુ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 'વાઈબ્રન્ટ ગુજરાત'ની શરૂઆત કરીને ઉદ્યોગપતિઓ સાથે સંવાદ અને સહયોગની જે સંસ્કૃતિ વિકસાવી, તે આજે દેશના અન્ય રાજ્યો માટે પણ અનુકરણીય મોડેલ બની છે. આવા પ્રયાસોને કારણે જ આજે ભારત વિશ્વમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થાન બન્યું છે.
દક્ષિણ ગુજરાતના સેક્ટરલ સ્ટ્રેન્થની ભૂમિકા આપતા શ્રી નડ્ડાએ કહ્યું કે, સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગથી લઈને ભરૂચ-દહેજ-અંકલેશ્વરના કેમિકલ અને ફર્ટિલાઇઝર ઉદ્યોગો વૈશ્વિક હબ બન્યા છે. હવે ટેક્સટાઈલની સાથે ગાર્મેન્ટિંગ ઉદ્યોગને ટ્રાઈબલ વિસ્તારો સાથે જોડીને વિકાસના નવા દ્વારા ખોલવામાં આવી રહ્યા છે, જે સ્થાનિક ક્ષેત્ર અને રાજય સરકારની મોટી જીત ગણાશે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓના સમયમાં આત્મનિર્ભર બનવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા પર ભાર મૂકતા નડ્ડાએ જણાવ્યું હતું કે, આફતને અવસરમાં બદલીને ગુજરાત જે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગિફ્ટ સિટી અને હાઈ-સ્પીડ રેલ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા આગળ વધી રહ્યું છે, તે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પાયારૂપ બનશે એમ જણાવી VGRC ના આયોજન બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ દક્ષિણ ગુજરાતની ક્ષમતાને દેશ અને દુનિયા સમક્ષ ઉજાગર કરનાર મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને રોજગારી સર્જન માટે આ બે દિવસીય કોન્ફરન્સ ઐતિહાસિક સાબિત થઈ છે. આગામી ત્રણ વર્ષમાં MoU મુજબ પ્રોજેક્ટ્સ કાર્યરત થવાથી દક્ષિણ ગુજરાતના 2.82 લાખથી વધુ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી પ્રાપ્ત થશે.
વર્ષ 2003 માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ઔદ્યોગિક શક્તિને વિશ્વ સમક્ષ મૂકવા 'વાઈબ્રન્ટ ગુજરાત'નો જે વિચાર વહેતો કર્યો હતો, તેના ફળસ્વરૂપે રાજ્યની જીડીપી 1.29 લાખ કરોડથી વધીને આજે 27.09 લાખ કરોડ સુધી પહોંચી છે. છેલ્લા 24 વર્ષની આ મક્કમ વિકાસયાત્રામાં 'ટીમ ગુજરાત' અને રાજ્યના વેપારીઓએ અનેક મુશ્કેલીઓ છતાં ક્યારેય પીછેહઠ કરી નથી.
રાજ્ય સરકારની પ્રાથમિકતા માત્ર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પૂરતી સીમિત નથી, પરંતુ અંતિમ હરોળમાં બેઠેલા નાના વેપારીઓના સપના સાકાર કરવાની છે. વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનો સીધો લાભ નાના ઉદ્યોગ સાહસિકોને મળે તે દિશામાં સરકાર કાર્યરત છે.
તેમણે એક નવતર પહેલ કરતા જણાવ્યું કે હવેથી રિજનલ કોન્ફરન્સમાં માત્ર નવા રોકાણકારો જ નહીં, પરંતુ વર્તમાન ઉદ્યોગકારોની સમસ્યાઓના સ્થળ પર જ નિરાકરણ માટે 'ઓપન ડોર મીટિંગ'નું આયોજન કરવામાં આવશે, જ્યાં સરકારના જવાબદાર અધિકારીઓ સીધો સંવાદ કરશે.
ઉદ્યોગ જગતને પ્રોત્સાહન આપવાની નીતિ અંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ઇન્સેન્ટિવ ક્લિયરન્સની પ્રક્રિયામાં સતત ગતિ લાવી રહી છે. અગાઉ દરરોજ 199 એપ્લિકેશન ક્લિયર થતી હતી, જે હવે બમણી થઈ છે, અને આગામી સમયમાં આ આંકડો 500 ને પાર કરી જશે. વધુમાં, ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિજાતિ વિસ્તારોમાં નોન પોલ્યુટીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ગાર્મેન્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે આગામી બે વર્ષમાં આદિજાતિ વિસ્તારની 25 હજાર થી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગકારો-રોકાણકારોને ‘પ્રગતિશીલ વિચારધારા સાથે આગળ વધો, સરકાર તમને વિશ્વભરના બાયર્સ સુધી પહોંચાડવામાં અને તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં સંપૂર્ણ મદદ કરશે’ એવી ખાતરી આપી હતી.
કોન્ફરન્સ દરમિયાન વિવિધ સેક્ટરોમાં થયેલી ઊંડાણપૂર્વકની ચર્ચાઓ અને મંથન ઉદ્યોગકારો માટે માર્ગદર્શક સાબિત થશે. VGRCનું સમાપન થયું છે, પરંતુ તા.5 મે સુધી આયોજિત એક્ઝિબિશન નિહાળવા વધુ ઔદ્યોગિક એકમો, ઉદ્યોગ સાહસિક યુવાનો અને નાગરિકોને આગામી તા. 5મી સુધી ઔદ્યોગિક એક્ઝિબિશન નિહાળવાનો અનુરોધ કર્યો હતો.
ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે, 2003 થી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની આ યાત્રા આજે વર્ષ 2026 માં ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સીની પર્યાય બની છે. ગુજરાતના સમૃદ્ધ અને રચનાત્મક વિકાસમાં વાઇબ્રન્ટ સમિટની ખુબ મહત્વની ભૂમિકા છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથ ઉત્તરોત્તર વધ્યો છે.
આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની છબી માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશવિદેશમાં ઉભી થઇ છે. વેપાર- ધંધા માટે વિશ્વસનીય સ્થળ તરીકે ગુજરાત ઉભરી રહ્યું છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી વાતાવરણ છે, જેના કારણે રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન બન્યું છે.
પ્રારંભે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચનમાં રિજનલ કોન્ફરન્સને ફળદાયી ગણાવતા કહ્યું હતું કે, છેલ્લાં બે દિવસમાં ‘સ્કેલ અને સ્કીલ’ના સમન્વય સાથે ઉદ્યોગ સાહસિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો, યુવા સાહસિકોને મજબૂત મંચ પૂરો પાડવાનો સફળ પ્રયાસ થયો. અહીં બીટુબી, બીટુજી, રિવર્સ બાયર્સ સેલર્સ મીટ અને શ્રેણીબદ્ધ સેમિનારોથી યુવા પેઢીને પણ નવી દિશા મળી છે.
