સુરતમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ 2026, જાણો તારીખ અને કાર્યક્રમની વિગતો

આગામી 1 મે થી 5 મે દરમિયાન આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 27 Apr 2026 01:26 PM (IST)Updated: Mon, 27 Apr 2026 01:27 PM (IST)
vibrant-gujarat-regional-conference-exhibition-south-gujarat-2026-surat
HIGHLIGHTS
  • વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ
  • આગામી 1 મેના રોજ સુરતમાં યોજાશે

Vibrant Gujarat Regional Conference- South Gujarat 2026: વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની (VGRC) ત્રીજી આવૃત્તિ અંગે ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે, ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મેના ઐતિહાસિક દિવસથી સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ - દક્ષિણ ગુજરાત ભવ્ય સંમેલનનો પ્રારંભ થશે.

VGRC-VGRE નો સમય અને સ્થળ

સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) 1 અને 2 મે દરમિયાન યોજાશે, જ્યારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1 થી 5 મે 2026 સુધી ચાલશે. આ પ્રદર્શન 12,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવશે અને તેનો સમય સવારે 10:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધીનો રહેશે.

સુરતમાં યોજાનાર આ ત્રીજા મેગા એક્ઝિબિશન અને કોન્ફરન્સમાં મુલાકાત લેવા ઇચ્છુક લોકો સત્તાવાર લિંક https://vibrantgujarat.com/registration પર જઈને પોતાની નોંધણી કરાવી શકે છે.

'વિકસિત ભારત@2047' નું વિઝન

આ આયોજન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તૈયાર છે. આ ઇવેન્ટ ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસની યાત્રાને નવી દિશા પ્રદાન કરશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “વિક્સિત ભારત@2047” ના વિઝન સાથે સુસંગત રહીને વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરવાનો છે.

આ ત્રીજી VGRC કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના મહત્વના સેક્ટર્સ જેવા કે ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ તેમજ ટુરિઝમ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉચ્ચ-વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ પણ તેમાં ભાગ લેશે.

MSME-કુટીર ઉદ્યોગો માટે ખાસ કાર્યક્રમો

VGRE 2026 દરમિયાન સ્થાનિક વેપારીઓ અને કારીગરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં રિવર્સ બાયર-સેલર મીટ, ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોની મદદથી MSMEs, હસ્તકલા અને કુટીર ઉદ્યોગોના હિસ્સેદારોને નવા બજાર સાથે જોડવામાં અત્યંત મદદ મળશે.

અગાઉના પણ મળ્યો હતો ભારે પ્રતિસાદ

અગાઉ 11 જાન્યુઆરી, 2026 ના રોજ સૌરાષ્ટ્ર માટે રાજકોટ ખાતે યોજાયેલા VGRE માં 450 થી વધુ પ્રદર્શકો અને 160 થી વધુ MSME એ ભાગ લીધો હતો. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત માટે મહેસાણામાં યોજાયેલા પ્રથમ રિજનલ એક્ઝિબિશનમાં 80,000 થી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા.