Gold Purchase Decline in Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે જે અપીલ કરી હતી, જેની અસર હવે જોવા મળી રહી છે. આ ઉપરાંત સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડયુટીમાં વધારો થતા સોના અને ચાંદીના ભાવમાં વધારો થવાથી જવેલર્સ સાથે સંકળાયેલા લોકોની ચિંતામાં વધારો થયો છે.
આ અંગે સુરતના જ્વેલર્સ ધીરેન ચોક્સીએ જણાવ્યું કે, આજથી સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં તોતિંગ વધારો કરી દીધો છે. અગાઉ સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી 6 ટકા હતી, જેને એકાએક વધારીને સીધી 15 ટકા કરી દેવામાં આવી છે. જેના પરિણામે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે સોનાનો ભાવ 1.52 લાખ રૂપિયા હતો, જે એક જ દિવસમાં વધીને સીધો 1.62 પર પહોંચી ચૂક્યો છે. આવી જ રીતે ચાંદીની કિંમતમાં પણ રાતોરાત 18 હજાર રૂપિયા વધી જવાથી ભાવ 3 લાખ સુધી પહોંચી ચૂક્યો છે.
લોકો સોનું ખરીદવાનું ટાળશે, તો કરોડોની રોજગારી પર સીધી અસર
આજથી 3 દિવસ પૂર્વ PM મોદીએ 1 વર્ષ સુધી સોનું ના ખરીદવાની અપીલ કરી હતી, જેની અસરથી જ્વેલર્સ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી શકે તેમ છે. ભારતમાં જ્વેલર્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે કરોડો લોકો સંકળાયેલા છે. અમારા કારીગરો, સ્ટાફ, સાઈના અન્ય બિઝનેસ જેવા કે પેકેજીશ, ડિસ્પ્લે, મટીરિયલ, હોલમાર્કિંગ સેન્ટર વગેરે. જો લોકો સોનું લેવાનું ટાળે તો તેની અસરથી આવા કરોડો લોકોની રોજગારી પર અસર પડે. આથી ઈન્ડસ્ટ્રીઝ ઠપ્પ ના પડે તે માટે અમે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ.
અમારું જ્વેલર્સ એસોસિએશન તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલર, જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશન સહિત તમામ લોકોની સરકાર સાથે વચ્ચેનો રસ્તો કાઢવા માટે વાતચીત ચાલી રહી છે.
સોનાને રી-સાયકલમાં લાવવા માટે સરકાર કોઈ યોજના લાવે
આ માટે અમારું એક સજેશન છે કે, લોકોની પાસે ઘર-ઘરાવનું સોનું છે, તે રિસાયકલમાં આવી જાય તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શખે છે. જો રીસાયકલમાં લાવવા માટે સરકાર કોઈ સ્કીમ આપે, તો લોકોને પણ એવું થશે કે, જૂના સોનામાંથી નવું બનાવીએ. જેથી લોકોને બહારથી ગોલ્ડ ઈમ્પોર્ટ કરવાની જરૂર નહીં પડે.
જો કે વડાપ્રધાનની અપીલની ખૂબ જ જ્વેલર્સ ઈન્ડસ્ટ્રીઝ પર નકારાત્મક અસર પડી છે. અમે છેલ્લા ચારેક દિવસથી નોટિસ કરી રહ્યા છીએ કે, ગ્રાહકોએ ખરીદી ઓછી કરી દીધી છે. એવામાં હવે ભાવ વધારો થતાં લોકો ખરીદી સાવ બંધ કરી દેશે.
