Gold Buying Decline In Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની ગુજરાતમાં મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો છે અને તેમની પ્રશંસા કરી છે. પીએમ મોદીની અપીલ બાદ છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેને હર્ષ સંઘવીએ લોકોની 'રાષ્ટ્રભક્તિ' ગણાવી છે.
હર્ષ સંઘવીએ ટ્વીટમાં શું કહ્યું?
હર્ષ સંઘવીએ પોતાના સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી ટ્વીટ કરતા લખ્યું કે, 'ગુજરાતના મારા વહાલા ભાઈઓ અને બહેનો, આદરણીય પીએમ નરેન્દ્ર મોદીજીની અપીલ પર તમે જે રાષ્ટ્રભક્તિ બતાવી છે તે ગુજરાતની અસલી ઓળખ છે. છેલ્લા બે દિવસથી સમગ્ર રાજ્યમાં સોનાની ખરીદીમાં ભારે ઘટાડો આવ્યો છે.'
આર્થિક હિતમાં લોકોનો સાથ
સામાન્ય રીતે ભારતમાં, અને ખાસ કરીને ગુજરાતમાં, તહેવારો કે અન્ય પ્રસંગોમાં સોનાની ખરીદીનું ભારે આકર્ષણ હોય છે. પરંતુ, મોટા પ્રમાણમાં સોનાની આયાતને કારણે દેશના વિદેશી હૂંડિયામણ (Foreign Exchange) પર દબાણ પડે છે. આ ટ્વીટ પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી અપીલને ગુજરાતના લોકોએ ગંભીરતાથી લીધી છે.
સોનાને લઈને પીએમ મોદીએ શું અપીલ કરી હતી?
હૈદરાબાદ અને ગુજરાતની સભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાને લઈને લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે સંકટ આવતું હતું ત્યારે લોકો સોનું દાનમાં આપતા હતા. કોઈ યુદ્ધ થતું હતું ત્યારે લોકો દેશ હિતમાં સોનું દાન આપતા હતા. આજે દાનની જરૂર નથી. પરંતુ દેશ હિતમાં આપણે નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઈપણ પ્રસંગ હોય આપણે સોનાના ઘરેણા નહીં ખરીદીએ. વિદેશી મુદ્રા બચાવવા માટે આપણી દેશભક્તિ આપણે પડકાર ફેંકી રહી છે. આપણે આ પડકારને સ્વિકાર કરવો જોઈએ. આજે જે સંકટ છે તેના પર આપણે વિદેશી મુદ્રા બચાવવા માટે પણ ભાર આપવો પડશે.
