Paresh Goswami Ni Agahi: મે મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં 41 થી 43 ડિગ્રી અને કેટલાક વિસ્તારોમાં 44 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે.
આગામી સપ્તાહમાં પણ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હાલ પડી રહેલી આકરી ગરમી વચ્ચે દરિયામાં એક નવી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
અરબ સાગરમાં તોળાતું અર્નબ વાવાઝોડાનું સંકટ
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે હવે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસા પૂર્વેની ગતિવિધિઓ તેજ બનીછે.
અત્યારે એક સિસ્ટમ તમિલનાડુના દરિયા કાંઠે બનીને કેરળ થઈને આગામી 15 મેની આસપાસ અરબ સાગરમાં પ્રવેશ કરી શકે છે. જ્યાં આ સિસ્ટમને પૂરતા પ્રમાણમાં ભેજ અને અનુકુળ તાપમાન મળશે, તો તે મજબૂત બનીને ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. જે બાદ 17-18 મેની આસપાસ સાયક્લોનનું સ્વરૂપ લઈ શકે છે.
આજે વાવાઝોડું બનશે, તો તેનું નામ 'અર્નબ' રાખવામાં આવશે. હાલ તો આ વાવાઝોડું આવવાની શક્યતા છે, તે ગુજરાત પર આવશે કે કેમ તે આવનારા દિવસોમાં વધારે સ્પષ્ટ થશે.
19 મેથી હવામાનમાં પલટો આવશે અને ગાજવીજ સાથે વરસાદ પડશે
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અરબ સાગરમાં વાવાઝોડું બને કે ના બને, પરંતુ આ મજબૂત સિસ્ટમની અસરના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. આગામી 19 અથવા 20 મેથી ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે.
આ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ વાવણી લાયક નહીં હોય, પરંતુ અડધાથી દોઢ ઈંચ જેટલો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથેનો વરસાદ પડી શકે છે.
43.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
આજે પણ ગુજરાતના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીની પાર મહત્તમ તાપમાન નોંધાયું છે. જે પૈકી 43.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. આ સિવાય અમદાવાદમાં 43.4 ડિગ્રી, વડોદરામાં 43.4 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી તેમજ સુરતમાં 40.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
