Gujarat Weather Forecast: ચોમાસાની વિધિવત વિદાય બાદ ગુજરાતમાં બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને ઊંચા તાપમાનના કારણે ઉનાળો ચાલતો હોય તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ઠંડીની આશ રાખીને બેઠા છે, ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં ગુજરાતના હવામાનમાં ધીમે-ધીમે પલટો આવી રહ્યો છે અને શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે.
ઝાકળની સિઝન શરૂ, હવે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે
આ અંગે વિગતો આપતા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં રાજ્યમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઓછી રહેશે. તેમજ રાત્રિના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે. કેટલાક વિસ્તારોમાં સવારના સમયે ઝાકળ જોવા મળશે.
આમ પણ ગુજરાતમાં ઝાકળની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. છેલ્લા બે દિવસથી કેટલાક ભાગોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગરના છૂટાછવાયા ભાગો તેમજ કચ્છ, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં 27 ઓક્ટોબર સુધી સામાન્ય ઝાકળ રહેવાની શક્યતા છે.
ઓક્ટોબરના અંતમાં સામાન્ય રીતે 18 થી 20 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે. જેની સરખામણીએ અત્યારે પવનની ગતિ 2 થી 4 પોઈન્ટ ઓછી એટલે કે 13 થી 17 કિમી પ્રતિકલાકની આસપાસ રહેશે. પવનની આ ગતિ 31 ઓક્ટોબર સુધી યથાવત રહેવાનો અંદાજ છે.
તાપમાનમાં ઘટાડો અને શિયાળાનું આગમન
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, 24 કલાકમાં લઘુત્તમ તાપમાન ઘટવાથી રાતે ઠંડકનો અનુભવ થશે. આ સાથે જ છેલ્લા 20 દિવસથી અનુભવાતા ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળશે. અત્યારે મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી ચાલી રહ્યું છે, જે 1 થી 5 નવેમ્બર દરમિયાન ઘટીને 30 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. 1 નવેમ્બરથી તાપમાન ઘટ્યા બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમજ 15 નવેમ્બર પછી શિયાળો વિધિવત જામશે.
