Vadodara: હરિનગર બ્રિજ પર બેકાબુ એન્ડેવર કારે પાંચ વાહનોને ટક્કર મારી ફંગોળ્યા, રિક્ષા ચાલકનું મોત; 3ની હાલત નાજુક

વડોદરાના ગોત્રી રોડ પર હરિનગર બ્રિજ પર એક બેકાબુ એન્ડેવર કારે પાંચ વાહનોને ટક્કર મારી. આ અકસ્માતમાં એક રિક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું અને અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. Vadodara Accident:

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Oct 2026 10:44 PM (IST)Updated: Fri, 23 Oct 2026 10:44 PM (IST)
vadodara-news-endeavour-car-hits-5-vehicles-on-harinagar-bridge-auto-driver-killed

Vadodara Accident: શહેરના ગોત્રી રોડ પર આવેલા હરિનગર બ્રિજ પર પુરપાટ આવતી એન્ડેવર કારના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બેકાબુ એન્ડેવર કારે એકસાથે પાંચ વાહનોને ઠોકરે ચડાવ્યા હતા. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સ્થળ પર જ મોતને ભેટ્યો છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હરિનગર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એન્ડેવર કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ બેકાબુ બનેલી કારે ત્યાં બ્રિજ પરથી પસાર થતી અન્ય અલ્ટો કાર, બે બાઈક અને બે રિક્ષાને અડફેટે લીધી હતી. એન્ડેવર કારની ટક્કરથી રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે ચાલકનું મોત નીપજ્યું હતુ.


આ ઘટનાને પગલે અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠા થઈ જતાં બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર એન્ડેવર કારમાં 4 લોકો સવાર હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો પોલીસે મૃતક રિક્ષા ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે ઈજાગ્રસ્ત 3 લોકોને સારવાર અર્થે નજીકની ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.