ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરબદલઃ 17 IAS અધિકારીઓની બદલી, આણંદ, મહેસાણા અને વાવ-થરાદને નવા કલેક્ટર મળ્યા

ગુજરાત સરકારે 17 IAS અધિકારીઓની બદલી અને વધારાના હવાલા સોંપી વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. આ ફેરબદલમાં મહેસાણા, આણંદ અને વાવ-થરાદ સહિતના જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે, તેમજ સચિવાલય અને નિગમોમાં પણ મહત્ત્વની નિમણૂંકો થઈ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Oct 2026 10:12 PM (IST)Updated: Fri, 23 Oct 2026 10:12 PM (IST)
major-ias-reshuffle-in-gujarat-17-officers-transferred-new-collectors-appointed-in-anand-and-mehsana

Gandhinagar: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં નોંધપાત્ર ફેરફાર કરતા 17 જેટલા IAS અધિકારીઓની બદલી તથા વધારાના હવાલા સોંપવા (Major IAS Reshuffle in Gujarat) અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. ટી.નટરાજન દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ અને નિગમોના વડાઓની મોટાપાયે આંતરિક અદલાબદલી કરવામાં આવી છે.


મહેસાણા, આણંદ અને વાવ-થરાદમાં નવા કલેક્ટરની નિમણૂંક

આ આદેશમાં જણાવ્યા પ્રમાણે, મહેસાણા, આણંદ અને વાવ-થરાદ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂંક કરવામાં આવી છે. જે અંતર્ગત ગૃહ વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા ડૉ. હર્ષિક પૃથ્વીરાજ ગોસાવીને મહેસાણાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે વર્તમાન મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિનું સ્થાન લેશે. જ્યારે એસ.કે.પ્રજાપતિને ગાંધીનગરમાં એડિશનલ રુરલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે.

આણંદના વર્તમાન કલેક્ટર પ્રવિણ ચૌધરીની ગાંધીનગર ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ધોલેરા અને માંડલ-બેચરાજી SIR પ્રોજેક્ટના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રવિણ ચૌધરીની જગ્યાએ કચ્છ-ભુજના DDO ઉત્સવ ગૌતમને આણંદના નવા કલેક્ટર તરીકે મૂકવામાં આવ્યા છે. આવી જ રીતે બનાસકાંઠા-પાલનપુરના DDO એમ.જે. દવેની બદલી વાવ-થરાદ જિલ્લાના કલેક્ટર તરીકે કરવામાં આવી છે.


માહિતી નિયામક સહિત સચિવાલયમાં મહત્ત્વના પદો પર નિમણૂંક

શિક્ષણ વિભાગના અધિક સચિવ જી. ટી. પંડ્યાની બદલી કરીને તેમને ગાંધીનગર ખાતે માહિતી નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છોટા ઉદેપુરના DDO સચિન કુમાર ની બદલી સચિવાલય ખાતે ગૃહ વિભાગમાં નાયબ સચિવ (કાયદો અને વ્યવસ્થા) તરીકે કરવામાં આવી છે

ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. એન. પટેલની સેવાઓ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગને સોંપી તેમને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.


સ્પિપા (SPIPA)ના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ સી. સી. કોટકની બદલી અમદાવાદ સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ (SIRD) ખાતે સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે

જ્યારે આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને મહેસૂલ વિભાગના રાહત કમિશનર અને એક્સ-ઓફિશિયો સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપાયો છે. તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ના એમડી ગૌરાંગ એચ. મકવાણાને ગાંધીનગર સ્થિત ઈન્ડેક્સ-બી (iNDEXT-B)ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે


નવા જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની નિમણૂક

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં DDOની મોટા પાયે બદલી કરવામાં આવી છે. જેમાં તાપીના DDO રામ નિવાસ બુગાલિયાને બનાસકાંઠા-પાલનપુરના DDO તેમજ વલસાડના DDO અતિરાગ ચાપલોતની બદલી કચ્છ-ભૂજના DDO તરીકે કરાઈ છે

આ ઉપરાંત મહીસાગર ખાતે આદિજાતિ ક્ષેત્ર સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર વંદના મીનાને વલસાડના DDO તરીકે નિયુક્ત કરાયા છે. સોનગઢ (તાપી) ખાતેના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર રાજેશ કુમાર મૌર્યાને અમરેલીના DDO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે

આવી જ રીતે વાંસદા (નવસારી)ના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર સ્વપ્નિલ મહાદેવ સિસલેને તાપીના DDO તરીકે તેમજ છોટાઉદેપુરના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ઓમકાર રાજેન્દ્ર શિંદેને ત્યાં જ છોટાઉદેપુરના DDO તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે