Vadodara: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઊભા કરતી ઘટનાઓ સતત વધી રહી છે. તસ્કરો બેફામ બનીને પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે શહેરના મકરપુરા GIDC કોલોની વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને સોનાના દાગીના અને રોકડ સહિત અંદાજે રૂ. 45 લાખની માતબર મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.
મકરપુરા GIDC કોલોનીમાં રહેતા પરિવારના એક સભ્યને અકસ્માત નડતાં સમગ્ર પરિવાર હોસ્પિટલમાં તેમના ખબર અંતર પૂછવા ગયો હતો. આ દરમિયાન પરિવારના બંધ મકાનમાં તસ્કરો મુખ્ય જાળીનું તાળું બળપૂર્વક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરોએ રૂમની તિજોરીઓમાં રાખેલા કિંમતી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ. 45 લાખની કિંમતી મત્તા હાથ ફેરો કરી તસ્કરો અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા.
બીજા દિવસે હોસ્પિટલમાંથી પરિવારજનો પરત ઘરે આવ્યા ત્યારે તેમને મકાનની જાળીનું તાળું તૂટેલું અને સામાન વેરવિખેર હાલતમાં નજરે પડ્યો હતો. જેથી ઘરમાં મોટી ચોરી થઈ હોવાની આશંકા ગઈ હતી. ગભરાઈ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ પોલીસ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ મથકે કરી હતી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મકરપુરા પોલીસ સ્ટેશનનો કાફલો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. લાખો રૂપિયાની આ મોટી ચોરીનો ભેદ ઉકેલવા અને ફરાર થઈ ગયેલા તસ્કરોને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
