PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30મી ઓક્ટોબર 2026, શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક આવેલા ભીલડી ખાતે પધારનાર છે.
વડાપ્રધાનના આ કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનના આગમન, સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળનું સંચાલન અને જનમેદનીની સુવિધા સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો
વડાપ્રધાન મોદી દિલ્હીથી સીધા બનાસકાંઠાના ભીલડી ખાતે પહોંચશે અને બનાસકાંઠાની ધરા પરથી દેશભરના કરોડો અન્નદાતાઓ માટે 'પી.એમ. કિસાન સન્માન નિધિ' યોજનાનો 24મો હપ્તો ડિજિટલી સીધો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવીને મોટી ભેટ આપશે.
આ ઐતિહાસિક ક્ષણે વડાપ્રધાન વિશાળ જનમેદનીને સંબોધિત કરશે તેમજ બનાસકાંઠાની જીવાદોરી સમાન શ્વેતક્રાંતિની અગ્રેસર મહિલા દૂધ ઉત્પાદકો, પ્રગતિશીલ ખેડૂતો અને યુવાનો સાથે સીધો સંવાદ સાધીને તેમની સફળતા અને અનુભવો વિશે ચર્ચા કરશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના વરદ્ હસ્તે બનાસ ડેરીના મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થશે. જેમાં મુખ્યત્વે ભીલડી ખાતે 127 એકર વિસ્તારમાં રૂ. 325 કરોડના ખર્ચે નવનિર્મિત ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ (BBBRC) રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.
આ કેન્દ્ર OPU-IVF અને ભ્રૂણ પ્રત્યારોપણ જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓથી સજ્જ છે, જે વાર્ષિક 25,000 ભ્રૂણ ઉત્પાદનના લક્ષ્ય સાથે દેશી પશુઓની ઓલાદ સુધારણા અને ઉત્પાદકતા વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
આ ઉપરાંત બનાસ ડેરીના પાલનપુર સંકુલ ખાતે અત્યાધુનિક 'ઓટોમેટેડ સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ' (ASRS) તથા સણાદર સ્થિત બટાકા પ્રોસેસિંગ પ્લાન્ટના ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે. સાથોસાથ ગ્રીન એનર્જીને વેગ આપવા માટે રાધનપુર અને થરાદ ખાતે પશુઓના છાણ આધારિત બનાસ બાયો-CNG પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
