Banas Dairy Breeding Centre: બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનને વેગ આપવા અને ઉચ્ચ અનુવાંશિક પશુઓનું સંવર્ધનની દિશામાં મોટું પગલું લેવામાં આવ્ચું છે. ડીસા તાલુકાના ભીલડી ખાતે બનાસ ડેરીએ 125 એકર વિસ્તારમાં અંદાજે 325 કરોડના અત્યાધુનિક પશુ સંવર્ધન અને સંશોધન કેન્દ્રનું નિર્માણ કર્યુ છે. એશિયાનું સૌથી મોટું ગણાતા પશુ સંવર્ધન કેન્દ્રમાં પશુપાલન અને સંવર્ધનની અનેક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
પીએમ મોદીના હસ્તે થશે ઉદ્ધાટન
બનાસ ડેરીના 250 પશુ ચિકિત્સકો અને વૈજ્ઞાનિકોના પ્રયાસથી તૈયાર થયેલું આ કેન્દ્ર પશુ સવર્ધન અને વૈજ્ઞાનિક પશુપાલનની દિશામાં અતિ મહત્વનું સાબિત થવાનું છે. આ વિશેષ કેન્દ્રનું ઉદ્ધાટન 30 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે, આ વિશેષ પ્રકલ્પથી બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પશુપાલકોને વધારે દૂધ ઉત્પાદન, ઓલાદ સુધારણા અને પશુ પાલન ક્ષેત્રે નવી ટેક્નોલોજીનો લાભ મળી રહેશે. આ પશુ સંવર્ધન કેન્દ્ર રાષ્ટ્રીય ગોકુલ મિશન સહાય હેઠળ જોડાયેલ છે. જેના દ્વારા પશુપાલકોને મોટો લાભ મળશે.
પશુ સંવર્ધન વધારવા IVF ટેક્નોલોજીનો ઉપયોગ
ભીલડી ખાતે તૈયાર થયેલા પશુ સંવર્ધન કેન્દ્રમાં આધુનિક પ્રયોગશાળા, આઈવીએફ ટેક્નોલોજી, વિશાળ પશુ શેડ, બાયોગેસ અને સૌર ઉર્જા જેવી વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કેન્દ્રમાં દેશી ગાયોની આનુવંશિક ગુણવત્તામાં સુધાર, દૂધ ઉત્પાદનમાં વધારો અને પશુપાલકોની આવકમાં વધારો થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓનું સંવર્ધન કરવા માટે ભ્રૂણ પ્રત્યારોપણની IVF પદ્ધતિનો ઉપયોગ કરાશે.
પશુ સંવર્ધન કેન્દ્રમાં બાયોગેસનો ફાયદો
અંદાજે રુ.325 કરોડના ખર્ચે તૈયાર થનારા આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રમાં દૈનિક ધોરણે 24 હજાર કિલો છાણમાંથી બાયોગેસનું ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાયોગેસથી 400 જેટલા પરિવારોને પાઇપલાઈનના માધ્યમથી ગેસ પૂરો પાડવાની યોજના છે. તેમજ દરરોજ 1200 ઘનમીટર બાયોગેસ ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કેન્દ્ર કાર્યરત થશે તો પશુ સંવર્ધનની દિશામાં અને પશુપાલકોને ખૂબ જ ફાયદો થશે.
