Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોઢુકા ગામે મિત્ર પ્રેમિકાને ભગાડી ગયો હોવાની શંકાએ યુવકને કારમાં પંચર પડ્યાનું બહાનું બતાવી મળવા બોલાવી તેનું અપહરણ કરીને લાકડાના ધોકા અને ઢીકાપાટુનો ઢોરમાર મારવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે પીડિત યુવકની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે પાંચ શખ્સો સામે ગુનાહિત કાવતરું, બળજબરીથી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોઢુકા ગામે રહેતા અને ખેતીકામ કરતા મેહુલ શિયાળ (28) ગત 21 ઓક્ટોબરના રોજ બપોરના સમયે પોતાની સીમમાં હતા. તે વેળાએ જનડા ગામના મનસુખભાઈ પડાણીએ ફોન કરી વેરાવળ (ભડલી) ગામના પાટીયા પાસે પોતાની સ્વિફ્ટ કારમાં પંચર પડ્યું હોવાનું કહી પાના-પકડ લઈને આવવા જણાવ્યું હતું.
આથી મેહુલ પાના-પકડ લઈને સ્થળ પર પહોંચતા કારમાં કોઈ પંચર ન હતું, પરંતુ ત્યાં મનસુખભાઈ પડાણી ઉપરાંત મુન્ના ઉર્ફે બાવકુ ભનાભાઈ તાવીયા, રણજીત સીદાભાઈ જમોડ અને બાવકુનો ભત્રીજો રોમીયો હાજર હતા. મુન્ના ઉર્ફે બાવકુએ મેહુલની પૂછપરછ કરતા જણાવ્યું કે, તારો મિત્ર ગૌતમ તાવીયા મારી ભાણી આરતીને લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો છે, તું તેના વિશે શું જાણે છે?
મેહુલે ખુલાસો કર્યો હતો કે, સવારે ગૌતમનો ફોન આવતા તે કપડાનો થેલો આપવા ગયો હતો, પરંતુ તેઓ ક્યાં ગયા છે તેની તેને જાણ નથી. આ સાંભળી ઉશ્કેરાયેલા આરોપીઓએ મેહુલને કારમાં બેસી જવા કહ્યું હતું. મેહુલે ના પાડતા ચારેય શખ્સોએ તેને બળજબરીથી કારમાં બેસાડી જનડા ગામે મનસુખની વાડીએ અપહરણ કરી લઈ ગયા હતા.
વાડીએ પહોંચ્યા બાદ મનસુખે અરવિંદ મનજીભાઈ બાવળીયાને પણ ફોન કરીને બોલાવી લીધો હતો. પાંચેય આરોપીઓએ એકસંપ થઈ લાકડાના ધોકા અને દોરડા વડે તથા ઢીકાપાટુથી મેહુલ પર આડેધડ હુમલો કર્યો હતો. આરોપીઓએ 'જો ગૌતમ અને આરતી નહીં મળે તો તને જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. જે બાદ આરોપીઓ તેને કારમાં બેસાડી જનડા ગામના પાટીયા પાસે આવેલ ક્રિકેટના મેદાનમાં લઈ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો.
મેહુલને વધુ દુખાવો ઉપડતા અને દવાખાને લઈ જવાનું કહેતા આરોપીઓ તેને વિંછીયા-જનડા ક્રિકેટ મેદાન પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ મેહુલે પરિવારજનોને જાણ કરતા તેના ભાઈ અને બનેવી એમ્બ્યુલન્સ મારફતે તેને સૌપ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.
