રાજકોટમાં 10 કલાકમાં આપઘાતના પ્રયાસના 10 બનાવ, માનસિક તણાવ અને કૌટુંબિક કલેશ મુખ્ય કારણ

આપઘાત કરવાના તમામ કેસ પૈકી કેટલાક લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 23 Oct 2026 08:10 PM (IST)Updated: Fri, 23 Oct 2026 08:10 PM (IST)
rajkot-suicide-attempt-cases-10-incidents-within-10-hours-civil-hospital

Rajkot Suicide News: રાજકોટ શહેરમાં માનસિક તણાવ અને કૌટુંબિક વિવાદોના કારણે આપઘાત કરવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. શહેરમાં માત્ર 10 કલાકના ટૂંકા ગાળામાં અલગ-અલગ વિસ્તારોમાંથી યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો દ્વારા ફિનાઇલ તેમજ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરવાના ચોંકાવનારા 10 કિસ્સાઓ સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયા છે.

આ તમામ લોકોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ચોકી દ્વારા સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે. પ્રાથમિક તપાસમાં કૌટુંબિક કલેશ અને માનસિક તણાવ મુખ્ય કારણો સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે મોટા ભાગના લોકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તબિયતમાં સુધારો થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

આપઘાતના પ્રયાસના આ બનાવોની વિગતો મુજબ, પ્રથમ ઘટના ભગવતીપરા શેરી નંબર 2 માં બની હતી, જ્યાં 30 વર્ષીય સોનીબેન શર્મા નામના મહિલાએ પતિ સાથેના ઝઘડાથી કંટાળીને રાત્રીના આશરે 2 વાગ્યે ઘરે ફિનાઇલ પી લીધું હતું. બીજી ઘટના રોહીદાસપરામાં બની, જ્યાં 38 વર્ષીય કાંતાબેન પ્રકાશભાઈ સોલંકીએ મોડી રાત્રે 1:30 વાગ્યાના સુમારે ફિનાઇલ પી લેતા તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જે અંગે બી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

ત્રીજા બનાવમાં નવયુગપરા-7 ના 30 વર્ષીય કરણભાઈ દિનેશભાઈ સિંધવે રાત્રે 1 વાગ્યે ફિનાઇલ પી લીધું હતું. ચોથા કિસ્સામાં ગાંધીગ્રામ ધરમનગર ક્વાર્ટરમાં રહેતા 40 વર્ષીય કેતનભાઈ રમેશભાઈ લખલાણીએ સાંજના સમયે ઘર નજીક ફિનાઇલ પીધું હતું, જ્યારે પાંચમા બનાવમાં રેલનગર આસ્થા ચોક પાસે 23 વર્ષીય દીપક રાજેશભાઈ ચાવડાએ ફિનાઇલ પી લેતા પ્રદ્યુમનનગર પોલીસને વાકેફ કરાઈ હતી.

છઠ્ઠા કિસ્સામાં બેડીનાકા દરબારગઢ ચોક પાસે સોની કામ કરતા 26 વર્ષીય નંદનભાઈ પ્રકાશભાઈ વાગડીયાએ અજ્ઞાત કારણોસર ઝેરી દવા પી લીધી, જે અંગે એ-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે. સાતમા કિસ્સામાં ચુનારાવાડ-5 ના સતિષભાઈ ભીખુભાઈ રોરીયા (ઉંમર 32) એ અને આઠમા બનાવમાં આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કના રીયાઝભાઈ નાસીરભાઈ કુરેશી (ઉંમર 27) એ ફિનાઇલ પી લેતા સિવિલ ખસેડાયા હતા.

નવમા બનાવમાં ગાંધીગ્રામ શેરી નંબર 3 માં રહેતા 70 વર્ષીય વૃદ્ધ જગદીપભાઈ દુર્ગેશભાઈ ઉનાતરે સતત નકારાત્મક વિચારો અને માનસિક તણાવથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. દસમો બનાવ વિછીયાના ફુલઝર ગામે બન્યો હતો, જ્યાં ધોરણ-11 માં અભ્યાસ કરતી 17 વર્ષની એક વિદ્યાર્થીનીએ પાણી સમજીને ભૂલથી ગ્લાસમાં ભરેલી ઝેરી દવા પી લેતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.