Yusuf Pathan Plot Controversy VMC: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ દ્વારા દબાણ કરાયેલી સરકારી જમીન મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિવાદિત 978 ચોરસ મીટર પૈકી 500 ચોરસ મીટર પ્લોટ ભેટમાં આપવાની અને બાકીનો પ્લોટ 55 ટકાના રાહતદરે આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય સામે આવતા જ રાજકીય ગરમાવો આવ્યો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરોએ સભાખંડ બહાર બેસીને 'વોટ ચોર ભાજપ', 'પ્લોટ ચોર ભાજપ' અને 'એક વોટની કિંમત 15 કરોડ' જેવા સૂત્રો લખેલા પોસ્ટર્સ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.
આટલું જ નહીં, કોંગ્રેસે ચેરમેનને ઘેરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જ્યારે અન્ય સભ્યો પાછલા બારણેથી સભાખંડમાં પ્રવેશતા કાર્યકરોએ 'પાછલા બારણે કોણ જાય, ભાજપના ચોર જાય'ના નારા લગાવ્યા હતા.
કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીએ પત્રકારો સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, 14 વર્ષથી સરકારી પ્લોટ પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા યુસુફ પઠાણને ભાજપ સરકારે 'સરકારી જમાઈ' ગણીને કરોડો રૂપિયાની કિંમતી જમીન ફ્રીમાં ભેટમાં આપી દીધી છે. સામાન્ય નાગરિકો પાસેથી નિયમો મુજબ હજારો રૂપિયાનું ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ રાજકીય સ્વાર્થ ખાતર ભાજપે કરોડોની જમીન પાણીના ભાવે આપી દીધી છે.
વડોદરામાં અંશુમન ગાયકવાડ, હાર્દિક પંડ્યા, રાધા યાદવ અને અર્જુન એવોર્ડ વિજેતા સુધીર પરબ જેવા અનેક હિન્દુ ખેલાડીઓએ દેશ અને શહેરનું નામ રોશન કર્યું છે. આમ છતાં તેમને પ્લોટ ફાળવવામાં આવ્યા ન હતા. માત્ર એક વોટના રાજકારણ માટે આ જમીન ફાળવણી કરવામાં આવી છે તેમ કહીને કોંગ્રેસે શાસક પક્ષ પર ભ્રષ્ટાચાર અને પક્ષપાતનો ગંભીર આરોપ મૂક્યો હતો.
નોંધનીય છે કે, તાંદલજા સ્થિત ટીપી-22ના ફાઈનલ પ્લોટ નંબર 90ની આશરે 20.53 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 978 ચોરસ મીટર જમીન પર વર્ષ 2012થી યુસુફ પઠાણનો કબજો હતો. વર્ષ 2014માં રાજ્ય સરકારે આ પ્લોટ ફાળવી શકાય નહીં તેવો સ્પષ્ટ હુકમ કર્યો હતો. જો કે હવે આ જમીનમાંથી 500 ચોરસ મીટર પ્લોટ ભેટમાં આપવા અને બાકીના 478 ચોરસ મીટર પ્લોટનું પ્રવર્તમાન વેલ્યુએશનના ૫૫ ટકા જેટલી રકમ વસૂલ કરીને આપવાની દરખાસ્ત મંજૂર થતાં આગામી દિવસોમાં આ મામલે રાજકીય ઘમાસાણ વધુ તેજ બને તેવી પૂરી સંભાવના છે.
