Vadodara: મુંબઈના વેપારી સાથે રૂ. 8 કરોડના સોનાની ઠગાઈ કેસમાં મુખ્ય આરોપી સહિત 7 ઝડપાયા, 3.31 કરોડનો મુદ્દામાલ જપ્ત

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના વેપારી સાથે થયેલા 8 કરોડ રૂપિયાના સોનાની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી ભાવિક સોની સહિત 7 લોકોની ધરપકડ કરીને 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Oct 2026 06:06 PM (IST)Updated: Fri, 23 Oct 2026 06:06 PM (IST)
vadodara-gold-scam-7-arrested-for-cheating-mumbai-trader-of-rs-828-crore

Vadodara: વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચે આઠ કરોડ રૂપિયાના સોનાની ઠગાઈના એક મોટા પ્રકરણનો પર્દાફાશ કર્યો છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના DCP હિમાંશુ વર્માએ વિગતવાર માહિતી આપી હતી કે, મુંબઈના એક વેપારી સાથે સોનાના દાગીના ખરીદવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હતી.

આ પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈના વેપારી અગાઉ પણ મુખ્ય આરોપી ભાવિક સોની સાથે સોનાની ખરીદીનો વ્યવહાર કરી ચૂક્યા હતા. અગાઉના સંબંધોના આધારે આરોપી ભાવિક સોનીએ સોનાના દાગીના ખરીદવાના બહાને મુંબઈના વેપારીને વડોદરા બોલાવ્યા હતા.

મુંબઈથી વેપારી આઠ કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીના ભરેલી બેગ લઈને વાઘોડિયા રોડ પર આવેલ બાપોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર સ્થિત અંબિકા જ્વેલર્સની દુકાને પહોંચ્યા હતા. જ્યાં ભાવિક સોની મુંબઈના વેપારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ આરોપીઓ હાલોલ પહોંચ્યા હતા, જ્યાં સોનાની વહેંચણી કરી હતી. તેમજ પુરાવા નષ્ટ કરવાના ઈરાદે સોનાની ખાલી બેગ કેનાલમાં ફેંકી દીધી હતી.

આ ગુનાની ગંભીરતાને જોતા વડોદરા પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મુખ્ય આરોપી ભાવિક સોનીને ગોવાથી ઝડપી પાડ્યો હતો. આમ સમગ્ર કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓને જેલ હવાલે કર્યા છે. તેમજ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં રૂ. 3 કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે.

આ સિવાય ગુનામાં વપરાયેલી ગાડીઓ અને મોબાઈલ પણ જપ્ત કરાયા છે. હાલ તો પોલીસ દ્વારા પકડાયેલા તમામ આરોપીઓની વધુ કડક પૂછપરછ હાથ ધરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.