સુરતના પ્રોફેસરે અગાસી પર બનાવ્યો અનોખો હોમ બેઝ્ડ બાયોગેસ પ્લાન્ટઃ 8 વર્ષથી ઘરના ભીના કચરામાંથી બનાવે છે 'ગ્રીન એનર્જી'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Oct 2026 07:04 PM (IST)Updated: Fri, 23 Oct 2026 07:04 PM (IST)
home-based-biogas-plant-in-surat-couple-generates-green-energy-from-kitchen-waste-for-8-years

Surat: સુરત શહેરના ખજોદ સ્થિત ડમ્પિંગ સાઈટ પર દૈનિક સરેરાશ 4000 મેટ્રિક ટન ભીનો અને સૂકો કચરો ઠલવાઈ રહ્યો છે. આ ઘન કચરાના નિકાલ પાછળ સુરત મહાનગરપાલિકા વાર્ષિક રૂ. 200 કરોડથી વધુનો મોટો ખર્ચ કરે છે.

સરકાર ભીનો અને સૂકો કચરો અલગ કરવા માટે લોકો, ગૃહિણીઓને સતત જાગૃત્ત કરે છે, આમ છતાં સ્થળ પર જ સેગ્રિગેશન (કચરો અલગ કરવો) ન થવાના કારણે ખજોદ ડમ્પિંગ સાઈટ પર કચરાના પહાડ, મિથેન ગેસના કારણે લાગતી આગ અને વાયુ પ્રદૂષણની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે.

આવા પડકારજનક સમયમાં સુરતની પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત પ્રોફેસર યોગેશ રોટલીવાલા તથા તેમના પત્ની યાશિકા રોટલીવાલાએ પોતાના ઘરની અગાસી પર નાના કદનો બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યો છે, અને છેલ્લા આઠ વર્ષથી ઘરના કિચન વેસ્ટ-ભીના કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરી દૈનિક રસોઈમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.

સુરતના પીપલોદમાં રહેતા આ પર્યાવરણપ્રેમી દંપતિએ સમગ્ર ગુજરાતને સ્વચ્છતા, પર્યાવરણ જતન અને સંરક્ષણ તેમજ ડિસેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટનો એક અનોખો અને પ્રેરક માર્ગ ચીંધ્યો છે. ઘરની અગાસીમાં હોમબેઝ્ડ ઈનોવેટિવ બાયોગેસ પ્લાન્ટ થકી તેમની દૈનિક રસોઈગેસની 50 ટકા જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે.

‘વેસ્ટમાંથી બેસ્ટ’ સમાન તેમના બાયોગેસ પ્લાન્ટથી ભીના કચરાના નિકાલની સમસ્યાનું કાયમી નિવારણ આવ્યું છે. એટલું જ નહીં, મહિને રૂ. 2 હજાર સુધીની બચત પણ થઈ રહી છે. વેસ્ટ મેનેજમેન્ટની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વેસ્ટ ટુ વેલ્થ’, ‘આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વચ્છ ભારત’ના મંત્રને ખરા અર્થમાં સાકાર કરી રહ્યા છે.

આ બાયોગેસ પ્લાન્ટમાં વધેલી શાકભાજી, તેના પાંદડા, ફળોની છાલ, વધેલું ભોજન જેવા કિચન વેસ્ટનો ઉપયોગ થાય છે. આ કચરાને યોગ્ય રીતે ક્રશ કરવા માટે પ્લાન્ટમાં મિક્સર ગ્રાઈન્ડર જેવું એક ક્રશર લગાવ્યું છે, જે આ જૈવિક કચરાને ક્રશ કરી સીધું ટેન્કમાં મોકલે છે.

સોલાર સિસ્ટમથી ગરમ પાણીની લાઈન ઈનબિલ્ટ કનેક્ટ કરી છે. જાતે તૈયાર કરેલી આ નવીન ડિઝાઈન માટે પ્રો. રોટલીવાલાએ બે પેટન્ટ પણ મેળવી છે અને અત્યાર સુધીમાં 6 ટનથી વધુ ભીનો કચરો ડમ્પિંગ સાઈટ સુધી જતો અટકાવવામાં નિમિત્ત બન્યા છે અને તેને આ પ્લાન્ટના માધ્યમથી ટ્રીટમેન્ટ કરીને ગેસમાં રૂપાંતરિત કર્યો છે. પ્રોફેસરે પોતાની કોલેજમાં પણ આવી જ ડિઝાઈનનો પ્લાન્ટ બનાવ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પણ તેને પ્રત્યક્ષ જોઈ શકે અને પ્રેરણા મેળવી શકે.


ઘરેલુ સ્તરે કરવામાં આવેલા આ પર્યાવરણલક્ષી પ્રયોગને બિરદાવતા ગાંધીનગર ખાતે રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા રાજ્યમંત્રી પ્રવિણ માળીના હસ્તે રોટલીવાલા દંપતિને રાજ્યકક્ષાનો દ્વિતીય ક્રમનો ‘ક્લાઈમેટ ચેન્જ: 2026-27’ એવોર્ડ અને રૂ.75 હજારનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

2018માં અગાસી પર પ્લાન્ટ ઉભો કરનાર પ્રો.યોગેશ રોટલીવાલાએ જણાવ્યું હતું કે, આ પ્લાન્ટમાં શરૂઆતમાં બાયોગેસ (મિથેન ગેસ) બનાવતા જરૂરી બેક્ટેરિયા ઉત્પન્ન કરવા માટે સૌપ્રથમ ડ્રમમાં 500 લીટર પાણી અને 500 કિલો ગાયનું છાણ ઉમેર્યું હતું. પ્રથમવાર બેક્ટેરિયા બનતા 45 દિવસ જેટલો સમય લાગે છે. એક વાર માટે જ કાઉ ડંગનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ દરરોજ દોઢથી બે કિલો ઘરના કિચન વેસ્ટ અને સાથે ૪ લીટર ગરમ પાણી ભેળવીને ટેન્કમાં નાખીએ છીએ.

ટેન્ક પર બીજું એક ફ્લોટિંગ ડ્રમ ઊંધું કરીને ઢાંકણ તરીકે મૂકવામાં આવ્યું છે. જેમ જેમ ગેસ ઉત્પન્ન થાય છે, તેમ-તેમ ઉપરનું ડ્રમ ઊંચું થાય છે. આ ડ્રમ સાથે જોડાયેલી પાઈપલાઈન મારફતે ગેસ સીધો રસોડા સુધી પહોંચે છે. પ્લાન્ટમાં દૈનિક 1.5 થી 2 કિલો રસોડાનો ભીનો કચરો નાખવા માટે માત્ર 10 થી 15 મિનિટનો સમય લાગે છે. સોલાર રૂફટોપની જેમ જ આ પ્લાન્ટ પણ દરેક ઘરમાં સરળતાથી વાપરી શકાય તેમ છે.

કચરો એ સમસ્યા નથી, પરંતુ યોગ્ય ટેક્નોલોજીથી તેને ગ્રીન એનર્જી અને ખાતર જેવા મૂલ્યવાન સંસાધનમાં પરિવર્તિત કરી શકાય છે એવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા તેમણે વધુમાં કહ્યું કે, અગાઉ બાયોગેસ મુખ્યત્વે ગાય-ભેંસના છાણમાંથી ઉત્પન્ન થાય એવી માન્યતા હતી, પણ હવે રસોડાના ભીના કચરામાંથી પણ ગેસ મેળવી શકાય છે. ઘરનો ભીનો કચરો ઘરમાં જ ઉપયોગમાં આવી જતો હોવાથી રસોઈ માટે જરૂરી બાયોગેસ મળી રહે છે અને છોડ-બગીચા માટે પ્રવાહી જૈવિક ખાતર પણ તૈયાર થઈ જાય છે.

પ્લાન્ટમાં દુર્ગંધની કોઈ સમસ્યા ઉભી થતી નથી અને કચરાગાડીની રાહ જોવી પડતી નથી. આ પ્લાન્ટથી રોજના કચરાને ટેરેસ પર પ્લાન્ટ સુધી લઈ જવો અને ક્રશ કરવાની થોડી પ્રક્રિયાના બહાને રોજની કસરત પણ થઈ જાય છે. અમને પર્યાવરણના રક્ષણ માટે નાનકડું યોગદાન આપવાનો આનંદ છે, સાથે સાથે પૈસાની બચત અને ફિટનેસનો લાભ પણ મળે છે.

પ્રો. રોટલીવાલા કહે છે કે, કચરાના વ્યવસ્થાપનમાં માત્ર સેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પર આધાર રાખવાને બદલે ડિસેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટને પણ વિશેષ અને સમાન મહત્વ આપવાનો સમય આવી ગયો છે. મોટી હાઉસિંગ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ્સ, હોસ્ટેલ, હોટેલ્સ, સંસ્થાઓ, કોમ્યુનિટી કિચન અને અન્ય મોટા રહેણાંક આવાસોમાં જરૂરિયાત મુજબના બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવે તો ભીના કચરાનું સ્થળ પર જ ઉર્જામાં રૂપાંતર કરી શકાય છે.

આ પ્રકારના સસ્તા અને ઈકોફ્રેન્ડલી મોડેલથી એક તરફ કચરાના પરિવહન અને લેન્ડફિલ પરનો ભાર ઘટી શકે, બીજી તરફ સ્થાનિક સ્તરે બાયોગેસ અને ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન થઈ શકે છે. સાથે સાથે નાગરિકોમાં ભીના અને સૂકા કચરાના વિભાજન તેમજ ઉર્જાબચત અંગે જાગૃતિ પણ લાવી શકાય છે.

આમ મહાનગરપાલિકા કે સરકાર પર કચરાના નિકાલનું ભારણ ઘટાડવા તેમજ આવનારા સમયમાં EPR-Extended Producer Responsibility એટલે કે 'પોતાના કચરાની જવાબદારી પોતે જ ઉપાડવી'ના સંકલ્પ હેઠળ આ પ્રકારના હોમ-બેઝ્ડ બાયોગેસ પ્લાન્ટ આર્થિક બચત, પર્યાવરણ જાળવણી અને ગ્રીન એનેર્જી મેળવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ પુરવાર થઈ રહ્યા છે.

પ્લાન્ટનો કુલ ખર્ચ રૂ. 75 હજાર: બાયોગેસ અને જૈવિક ખાતર દ્વારા થતી બચતથી માત્ર બે થી અઢી વર્ષમાં જ ખર્ચ વસૂલ થશે


1 હજાર લીટર (એક ક્યુબિક મીટર) ક્ષમતા ધરાવતી ટાંકીમાંથી દૈનિક આશરે 600 લીટર મિથેન ગેસ (બાયોગેસ) ઉત્પન્ન થાય છે. આ ગેસ મહિનામાં લગભગ 1 થી 1.5 LPG સિલિન્ડર સમાન મળી રહે છે, જેનાથી પરિવારને માસિક રૂ. 1,500 થી 2000 સુધીની સીધી બચત થાય છે. સિલિન્ડરની અછત કે કટોકટીના સમયે પણ રસોઈનું કામ અટકતું નથી. આ પ્લાન્ટ માટે પ્રારંભિક રૂ. 75000 ખર્ચ થાય છે. બાયોગેસ અને જૈવિક ખાતર દ્વારા થતી બચતને ધ્યાને લેતાં આ રોકાણ માત્ર 2 થી 2.5 વર્ષના સમયગાળામાં વસૂલ થઈ જાય છે.


આ પ્લાન્ટની ટાંકીમાં 1 કિલો સુધીની બાયોગેસ સંગ્રહ ક્ષમતા છે. ટેન્કમાં 10 કિલો સુધી વેસ્ટ નાંખી શકાય છે, પણ હું માત્ર દૈનિક બે કિલો કિચન વેસ્ટ નાખું છું. જો વધુ ભીનો કચરો નાંખવામાં આવે તો વધુ ગેસ મળે અને આખા પરિવારની સંપૂર્ણ ગેસની જરૂરિયાત પૂરી થઈ શકે છે એમ તેઓ જણાવે છે.

એક પંથ દો કાજ:પર્યાવરણ રક્ષણ સાથે આર્થિક બચત અને સાઈડ ઈન્કમનું મોડેલ

આ પ્લાન્ટની વિશેષતા એ છે કે, તેમાં રસોઈ ગેસ ઉત્પન્ન થવાની સાથે તેની સ્લરીમાંથી લિક્વિડ બાયો-ફર્ટિલાઈઝર- પ્રવાહી જૈવિક ખાતર પણ અલગથી જોડેલી ટાંકીમાં એકત્રિત થાય છે. આ પ્લાન્ટમાંથી દૈનિક બે લીટર જેટલું ગુણવત્તાયુક્ત બાયો-ફર્ટિલાઈઝર મળે છે, જેનો ઉપયોગ ટેરેસ ગાર્ડનિંગ, ફૂલછોડ અને ખેતી માટે થાય છે.

હાલમાં પ્રાકૃતિક શાકભાજીની ખેતી, ફળોની ખેતીમાં આ ખાતરની ઊંચી માંગ છે, ત્યારે પ્રો.રોટલીવાલા આ ખાતર રૂ. 150 પ્રતિ લીટરના દરે વેચાણ કરે છે. પર્યાવરણ રક્ષણ સાથે આર્થિક બચત અને સાઈડ ઈન્કમનું આ ઉમદા મોડેલ પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો તરફ વળવા માટે સૌને દિશા ચીંધી રહ્યું છે.


શિક્ષક, સંશોધક, એન્જિનિયર અને પર્યાવરણ પ્રેમી ડૉ.યોગેશ રોટલીવાલા

ડૉ.યોગેશ ચંદ્રકાંત રોટલીવાલા સુરતના જાણીતા પ્રોફેસર, સંશોધક અને એન્જિનિયર છે. તેઓ હાલમાં સુરતની પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં પ્રિન્સિપાલ અને કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. વેસ્ટ મેનેજમેન્ટ, બાયોફ્યુઅલ અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી પર વિશેષ રૂચિના કારણે નીતનવા સંશોધનો કરતા રહે છે.

તેમને વેસ્ટ પ્લાસ્ટિક મેનેજમેન્ટ અને બાયો-ઓઈલના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રાલય તરફથી નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેમણે કેમિકલ એન્જિનિયરિંગમાં Ph.D. ની પદવી મેળવી છે. શૈક્ષણિક ક્ષેત્રે 27 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવતા યોગેશભાઈના ઘણા રિસર્ચ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયા છે. તેઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સાથે પણ સંશોધક તરીકે જોડાયેલા છે.