સુરત રેલવે સ્ટેશન પર રીલ બનાવવી મોંઘી પડીઃ નકલી TTE બનીને ચાલું ટ્રેનમાં ચડી મુસાફરો પર રોફ જમાવનાર યુવકની ધરપકડ

સુરત રેલવે સ્ટેશન પર TTEનો યુનિફોર્મ પહેરી વીડિયો બનાવનાર યુવકને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા બનાવેલા આ વીડિયો બદલ યુવકે માફી માંગી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 Oct 2026 06:29 PM (IST)Updated: Fri, 23 Oct 2026 06:29 PM (IST)
surat-news-fake-tte-arrested-at-surat-railway-station-for-making-social-media-reels

Surat News: આજના સમયમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા અને વ્યુ અને લાઈકસના ચકકરમાં વીડિયો બનાવવો એક યુવકને ભારે પડ્યો છે. આ યુવકે રેલ્વે સ્ટેશન પર TTE જેવો યુનિફોર્મ પહેરીને મુસાફરોની ટિકિટ ચેક કરતો હોય એવો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ મામલે રેલ્વે પોલીસે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ TTE જેવો યુનિફોર્મ પહેરીને મુસાફરોની ટિકિટ ચેક કરતો હતો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં RPF અને સુરત રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધારે વીડિયો બનાવનાર સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા સમીઉલ્લાહ શેખ (25)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસ પૂછપરછમાં યુવકે કબૂલાત કરી હતી કે, આ વીડિયો 18 ઓક્ટોબરના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર બનાવ્યો હતો. આ વીડિયો પોતે મનોરંજનના હેતુથી જ બનાવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં તેણે આ વાત પણ લખી હતી. આ માટે તેણે કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લીધા નહતા.

પોતે જે યુનિફોર્મ પહેર્યો હતો, તે નોર્મલ જીન્સ અને શર્ટ હતુ. જ્યારે આઈકાર્ડની જગ્યાએ પાનકાર્ડ હતુ. યુવકે આ કન્ટેન્ટ બદલ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. તેમજ ભવિષ્યમાં પોતે આવો વીડિયો નહીં બનાવવાની ખાતરી આપવા સાથે લોકોને પણ આવા વીડિયો ના બનાવવાની અપીલ કરી હતી.