સુરતના સચિન GIDCમાં કરુણ ઘટના, ધાબા પરથી નીચે પટકાતા પ્રફુલ પટેલનું મોત

મોબાઈલ ફોન પર વાત કરતા સમયે ધાબા પરથી પટકાતા યુવકનું મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 23 Oct 2026 07:45 PM (IST)Updated: Fri, 23 Oct 2026 07:45 PM (IST)
surat-sachin-gidc-man-dies-after-falling-from-terrace-while-talking-on-phone

Surat News: સતત સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ અને તેનાથી થતી લાપરવાહી વ્યક્તિ માટે કેવી જીવલેણ સાબિત થઈ શકે છે, તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સુરતના ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDC ખાતેથી સામે આવી છે. મોબાઈલ ફોનમાં મગ્ન રહેવાના કારણે બીજા માળના ધાબા પરથી નીચે પટકાતા 42 વર્ષીય પ્રફુલ પટેલ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જેને કારણે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની વિગતો અનુસાર, સચિન GIDC વિસ્તારમાં રહેતા 42 વર્ષીય પ્રફુલ પટેલ પોતાના મકાનના બીજા માળે આવેલા ધાબા પર ગયા હતા. આ દરમિયાન તેઓ મોબાઈલ ફોન પર કોઈની સાથે વાતચીતમાં અત્યંત વ્યસ્ત હતા. ફોન પરની આ વાતચીતમાં તેઓ એટલા બધા તલ્લીન થઈ ગયા કે તેમને પોતે ધાબાની પાળી નજીક પહોંચી ગયા હોવાનું કે આસપાસની જોખમી સ્થિતિનું જરાય ધ્યાન રહ્યું નહોતું.

ધાબા પર ચાલતી વખતે અચાનક ધ્યાન ભટકતા તેઓ સંતુલન ગુમાવી બેઠા અને સીધા બીજા માળેથી નીચે જમીન પર પટકાયા હતા. ધાબેથી નીચે પટકાવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસના રહીશો તુરંત દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં પ્રફુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે, તેમની હાલત અત્યંત ગંભીર જણાતા પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.

સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. પોલીસે પ્રફુલ પટેલના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.