Surat News: સુરતના વરાછા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછામાં રહેતા અને ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગી આવતા ઘર છોડી દીધું હતું. પરંતુ વરાછા પોલીસની સમયસૂચકતા અને સક્રિયતાના કારણે ગણતરીના કલાકોમાં જ આ કિશોર હેમખેમ મળી આવ્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, 13 વર્ષીય કિશોર શાળા અને ટ્યુશન પતાવીને મોડો ઘરે પહોંચતા તેની માતાએ તેને અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. જેનાથી લાગી આવતા તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો અને રાત્રે મિત્રના ઘરે રોકાયો હતો. બીજી તરફ પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પિતાએ વરાછા પોલીસ મથકે જાણ કરી હતી.
સગીર વયના બાળકના ગુમ થવાનો મામલો હોવાથી પોલીસે તેને અત્યંત ગંભીરતાથી લઈને સર્વેલન્સ ટીમ દ્વારા CCTV ફૂટેજ ચકાસવાની સાથે મોબાઈલ લોકેશન ટેક્નોલોજીની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી. બીજા દિવસે બાળકે ફોન ચાલુ-બંધ કરતાં પોલીસે લોકેશન ટ્રેસ કરીને સતત સંપર્ક જાળવી રાખ્યો અને પ્રેમપૂર્વક સમજાવીને નજીકના વિસ્તારમાં બોલાવી લીધો હતો.
પોલીસે સચોટ વોચ ગોઠવી બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢીને જરૂરી કાઉન્સિલિંગ બાદ તેને હેમખેમ પરિવારને સોંપ્યો હતો. પોલીસ મથકમાં માતા-પિતા પોતાના લાડકવાયાને ભેટીને ભાવુક થઈ ગયા હતા અને પરિવારે પોલીસની ત્વરિત કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
