Bhavnagar Hooch Tragedy: ભાવનગરમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જેમાં નકલી દારૂ પીધા પછી સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર થયેલા સંજયસિંહ ડોડિયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ આજે 3 દર્દીઓના મોત સાથે જ લઠ્ઠાકાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 12 ઉપર પહોંચી ગયો છે.
સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સંજયસિંહ 24 કલાકથી બ્રેઈનડેડ હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંજયસિંહ ડોડિયા મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની હતા અને સુરતના અઠવાલાઈન્સ સ્થિત પોલિટેકનિકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. સંજયસિંહ ભાવનગરથી ડુપ્લિકેટ ઝેરી દારૂ પીધા પછી સુરતમાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં સંજયસિંહની તબિયત વધારે ગંભીર જણાતા તેમને ચાર અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે તબિયતમાં સુધારો ના થતાં આખરે મગદલ્લા સ્થિત IMS હોસ્પિટલમાં તેમને એડમિટ કરવામાં આવ્યા હતા.
સંજયસિંહની નાજુક તબિયતને પગલે INS હોસ્પિટલમાં તેમની વેન્ટિલેટર ઉપર સારવાર ચાલી રહી હતી. જો કે 24 કલાક પહેલા જ તબીબોએ તેઓને બ્રેઈન ડેડ જાહેર કર્યાં હતા. આખરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મૃતક સંજયસિંહના પરિવારમાં પત્ની અને એક પુત્ર અને પુત્રી છે તેઓના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આજે સર ટી હોસ્પિટલમાં વધુ 2 દર્દીઓએ જીવ ગુમાવ્યા
આ ઉપરાંત ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ બાદ સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓએ પણ આજે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં ઘોઘા રોડ પર રહેતા અવિનાશ પરમારનું મોત થયું હતુ. જે બાદ હાર્દિક કિલજી (35) નામના યુવકે પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. લઠ્ઠાકાંડ બાદ હાર્દિકને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હાલત ગંભીર જણાતા આખરે તેને સર.ટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં 12 લોકોના ભોગ લેવાયા છે. જ્યારે હજુ પણ 8 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું માલૂમ પડ્યું છે.
