Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સપ્તેશ્વર ખાતેથી પસાર થતી સાબરમતી નદીમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. આ યુવકો દશામાની મૂર્તિના વિસર્જન સમયે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ઈડર, હિંમતનગર અને વિજાપુરની ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યુ માટે દોડી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે માતાજીની મૂર્તિના વિસર્જન માટે મહેસાણાથી કેટલાક ભક્તો સપ્તેશ્વર ખાતેથી પસાર થતી સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા માટે આવ્યા હતા. જ્યાં બે યુવકો મૂર્તિના વિસર્જન કરવા માટે નદીમાં ઉતર્યા હતા. આ દરમિયાન પાણીની ઊંડાઈનો અંદાજો ના રહેતા બન્ને યુવકો ડૂબવા લાગ્યા હતા.
બન્ને યુવકોને પાણીમાં ગરકાવ થતાં જોઈને કિનારે રહેલા પરિવારજનો સહિતના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આ બાબતની જાણ થતાં ઈડર ઉપરાંત હિંમતનગર અને વિજાપુરથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ, પરંતુ કમનસીબે બન્નેના મૃતદેહો જ હાથ લાગ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવકોની ઓળખ નવદીપ રાવત (રહે. મૈલીપુર, મહેસાણા) અને રાજવીર ઠાકોર (રહે. રામપુર ભંડોલી, મહેસાણા) તરીકે થઈ છે. આ ઘટનાના પગલે બન્ને યુવકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.
વિસર્જન વખતે અંબિકા નદીમાં તણાયેલી યુવતીને બચાવાઈ
આવો જ અન્ય એક બનાવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી સામે આવ્યો છે, પરંતુ અહીં સ્થાનિક તરવૈયાઓની સમયસૂચક્તાના કારણે યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
જેમાં ચીખલી તાલુકાના થલા ગામમાં રહેતી રમિલા હળપતિ પરિવાર સાથે ગણદેવી તાલુકાના ધમડાછા ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા પહોંચી હતી. આ દરમિયાન પગ લપસજા રમિલા નદીમાં પાણીના ધસમસતા પ્રવાહ સાથે તણાવા લાગી હતી. આ સમયે પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને નદીમાં કૂદી પડ્યા હતા અને રમિલાને પકડીને સમયસર બહાર કાઢી લેતા તેનો જીવ બચી ગયો છે.
