Kutch: અબડાસાને અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક 'કેટલ કેમ્પ' શરૂ કરવાની માંગ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

કચ્છના અબડાસા વિધાનસભા વિસ્તારમાં બે મહિનાથી વરસાદ ન પડતા ગંભીર દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતી અને પશુપાલન પર નિર્ભર લોકો મુશ્કેલીમાં છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખીને અબડાસાને અછતગ્રસ્ત જાહેર કરવા અને તાત્કાલિક કેટલ કેમ્પ શરૂ કરવાની માંગ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 22 Aug 2026 05:54 PM (IST)Updated: Sat, 22 Aug 2026 05:54 PM (IST)
kutch-drought-news-mla-pradhyumansinh-jadeja-demands-immediate-drought-declaration-in-abdasa

Kutch Drought News: ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના અતિ પછાત અને ભૌગોલિક રીતે વિશિષ્ટ એવા અબડાસા વિધાનસભા વિસ્તારમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ગંભીર કટોકટી સર્જાઈ છે. વરસાદના અભાવે ખેતી અને પશુપાલન પર નિર્ભર સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ ભયાવહ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસૂલ તથા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મંત્રી સંજયસિંહ મહીડાને પત્ર લખીને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવા અને કેટલ કેમ્પો શરૂ કરવા રજૂઆત કરી છે.

2 મહિનાથી વરસાદ ન પડતાં પાક નિષ્ફળ જવાની ભીતિ

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન અબડાસા વિધાનસભા વિસ્તારમાં 2 મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પૂરતો વરસાદ થયો નથી. યોગ્ય વરસાદના અભાવે ખેડૂતો દ્વારા અગાઉ વાવવામાં આવેલા પાકો પર ગંભીર અસર પડી રહી છે અને ઊભા પાકો સંપૂર્ણપણે નુકસાન થવાની સ્થિતિમાં પહોંચી ગયા છે.

ઘાસચારા અને પીવાના પાણીની અછતથી પશુધન મુશ્કેલીમાં

આ સરહદી વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર જ નિર્ભર છે. લાંબા સમયથી વરસાદ ન પડવાના કારણે સીમ વિસ્તારોમાં કુદરતી ઘાસચારો અને પશુઓ માટે પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.

જેના પરિણામે પશુપાલકો માટે પોતાના પશુધનને જીવતો રાખવો અત્યંત મુશ્કેલ બની રહ્યો છે. અનેક વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના પત્રમાં દર્શાવાઈ છે.

ત્રણ તાલુકાઓમાં તાત્કાલિક સર્વે કરી અછતગ્રસ્ત જાહેર કરવા માંગ

ધારાસભ્યએ ખેડૂતો અને પશુપાલકોની હાલની કફોડી સ્થિતિ તેમજ આગામી સમયની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારને વિનંતી કરી છે કે, અબડાસા વિધાનસભા વિસ્તારના અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાઓની પરિસ્થિતિનું તાત્કાલિક ધોરણે સરકારી સર્વેક્ષણ કરાવવામાં આવે. આ તપાસના આધારે આ ત્રણેય તાલુકાઓને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે.

તાત્કાલિક કેટલ કેમ્પો શરૂ કરી રાહત આપવા અપીલ

વધુમાં માગણી કરવામાં આવી છે કે, પશુપાલકોના પશુધનને પૂરતો ઘાસચારો, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તાત્કાલિક ધોરણે કેટલ કેમ્પો (ઢોર કેમ્પ) શરૂ કરવામાં આવે. આ સાથે જ પશુઓ માટે જરૂરિયાત મુજબના ઘાસચારા અને પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે.

ધારાસભ્યએ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી આદેશો આપવા વિનંતી કરી છે જેથી મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહેલા ખેડૂતો અને પશુપાલકોને સમયસર યોગ્ય રાહત મળી શકે.