Kutch Rann Utsav 2025-26:ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું હતું કે, કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન અંદાજિત 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જેમાં 10.39 લાખથી વધુ સ્થાનિક અને 2,178 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ આજે 3 દિવસથી વધીને 4 મહિનાનો વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ બન્યો છે. રણોત્સવ થકી સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક આત્મનિર્ભરતા મળી છે.
વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલ્સની મુલાકાત લેનાર પ્રવાસીઓની સંખ્યા ૪,૧૨,૪૨૩ નોંધાઈ છે, જે ગત વર્ષની સરખામણીએ ૭૭.૯૬% નો જંગી વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ક્રાફ્ટ સ્ટોલ્સ થકી થતી આવક પણ રૂ. ૬.૯૯ કરોડથી વધીને રૂ. ૧૨.૧૧ કરોડ થઈ છે, જે આવકમાં ૭૩.૩૦%નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઉપરાંત, ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ ૩૩.૯૬%નો વધારો નોંધાયો છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં અન્ય આકર્ષણોની મુલાકાતોની વિગત
* સાંસ્કૃતિક કાર્યક્રમ: ૫૮,૬૭૯ મુલાકાતીઓ (૪૫% નો વધારો)
* થીમ પેવેલિયન: ૧,૩૫,૩૬૬ મુલાકાતીઓ (૯.૫૭% નો વધારો)
* ફન ઝોન / ચિલ્ડ્રન એક્ટિવિટી: ૧૯,૮૧૨ મુલાકાતીઓ (૧૩.૯૩% નો વધારો)
* લાઈટ એન્ડ સાઉન્ડ શો: ૧,૦૮,૩૧૫ મુલાકાતીઓ
* ફૂડ સ્ટોલ: ૨,૩૧,૭૮૬ મુલાકાતીઓ
પર્યાવરણ જતન અને પ્રવાસી સુવિધા : વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મેળવનાર 'ધોરડો' ખાતે પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણની જાળવણી માટે વિશેષ પગલાં લેવામાં આવ્યા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યો છે તેમજ કાચની બોટલમાં પીવાનું પાણી અને સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
