Surats Suman School Admission: સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક સીમાચિહ્નરૂપ કાર્ય સંપન્ન થયું છે. સુરતના યોગી ચોક નજીક આવેલા મહાવીર ચોક પાસે અત્યાધુનિક સુમન શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 9 અને 10 માટે દીકરા-દીકરીઓની એડમિશન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ શાળાની મુલાકાત લીધી હતી.
આ તકે તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં જ્યારે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ફી વગર તદ્દન વિનામૂલ્યે શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે આ અદ્યતન શાળા કાર્યરત કરવામાં આવી છે. આ શાળાની વિશેષતા એ છે કે, તેમાં બે પાળીમાં શિક્ષણ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે વિશેષ મંજૂરી આપવામાં આવી છે.
સુમન શાળા અંતર્ગત ધોરણ-9 અને 10 ના વર્ગો ચાલશે, જેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે. સવારની પાળીમાં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા ધો.9 અને 10 ના વર્ગો શરૂ કરવામાં આવશે.
આ ઉપરાંત મંત્રીએ જાહેરાત કરી હતી કે, આગામી વર્ષથી આ જ શાળામાં ક્રમશઃ ધોરણ-11 અને 12ના વર્ગો પણ શરૂ કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે, જેથી તેઓ પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીનો અભ્યાસ એક જ સ્થળે પૂર્ણ કરી શકે.
ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વધુમાં આરોગ્ય રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, આસપાસના વિસ્તારમાં એક પણ એવી પ્રાઇવેટ શાળા નથી કે, જેની પાસે આવું ભવ્ય ભવન કે આટલા ક્વોલિફાઇડ શિક્ષકો સ્ટાફ હોય. ડ્રોપઆઉટ રેશિયો ઝીરો લેવલ પર લાવવાના લક્ષ્યાંક સાથે આ શાળા ખૂબ જ મહત્વની સાબિત થશે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 942 નવા સ્કૂલ રૂમ મંજૂર કર્યા હતા, જેના કારણે સુરતના દરેક ખૂણે શ્રેષ્ઠ શાળાઓનું નિર્માણ થયું છે. શિક્ષણના આ મહાયજ્ઞ બદલ મંત્રીએ સુરતના તમામ કોર્પોરેટરોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, મહાવીર ચોક (નાના વરાછાથી આવતા પહેલો ચોક) ખાતે બનેલી આ શાળામાં ધોરણ-9 અને 10 માં પ્રવેશ મેળવવા માટે સોમવારથી શનિવાર દરમિયાન શાળાનો સંપર્ક કરી શકાશે. વાલીઓને વહેલી તકે પોતાના બાળકોના એડમિશન માટે શાળાનો સંપર્ક કરવા અનુરોધ છે.
