Surat: સુરતમાં રહેતો યુવક મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને ઘરે જઈ રહ્યો હતો. આ દરમ્યાન ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સચિન GIDC સ્થિત પાલીગામમાં રહેતો કુલદીપસિંગ વિજય બહાદુરસિંગ પોતાના મિત્રો સાથે દમણ ફરવા ગયો હતો. જ્યાંથી તેઓ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ટ્રેન સચિન સ્ટેશને ઉભી નહતી રહી.
આથી ઉધના સ્ટેશને ટ્રેન ઉભી રહેતા કુલદીપસિંગ પોતાના મિત્રો સાથે ઉતરી ગયો હતો અને રેલવેના પાટા નજીક ચાલતા-ચાલતા સચિન તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી અચાનક ટ્રેન આવી જતાં કુલદીપસિંગ ઝપેટમાં આવી ગયો હતો, જ્યારે તેના બે મિત્રો બચી ગયા હતા.
ટ્રેનની ટક્કરથી કુલદીપસિંગ ફંગોળાઈને નજીકના થાંભલા સાથે ભટકાયો હતો. જેમાં તેને માથા સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આથી મિત્રોએ 108ની મદદથી કુલદીપસિંગને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
