SAUNI Yojana: વરસાદની ઘટ ધરાવતા દ્વારકા અને જામનગર જિલ્લાને મળશે સૌની યોજનાનું પાણી, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ગુજરાત સરકારે ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના હેઠળ મચ્છુ-2 જળાશયમાંથી પાણી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, આ પાણી પીવાના અને સિંચાઈના હેતુઓ માટે ઉપલબ્ધ કરાશે, જેનાથી સ્થાનિકોને રાહત મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Aug 2026 07:21 PM (IST)Updated: Sat, 29 Aug 2026 07:21 PM (IST)
sauni-yojana-cm-bhupendra-patel-approves-water-supply-for-devbhumi-dwarka-and-jamnagar
HIGHLIGHTS
  • પીવાના પાણીને પ્રથમ પ્રાથમિકતા, ત્યારબાદ સિંચાઈ માટે અપાશે પાણી

SAUNI Yojana: સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના નાગરિકો તથા ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. 

આમ છતાં દ્વારકા અને જામનગરની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડીને આ જિલ્લાઓમાં આપવા ખાસ મંજૂરી આપી દીધી છે. 

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે. 

રાજ્ય સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયથી દ્વારકા અને જામનગર જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેમજ સિંચાઈ માટે પણ મોટી રાહત મળી રહેશે.