Sabarkantha: હિંમતનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં સ્ટાફ નર્સ અને ટ્યૂશન ટીચર બે મહિલાના ભેદી સંજોગોમાં મોત મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં આડાસબંધમાં સ્ટાફ નર્સે ટ્યૂશન ટીચરને ગળે ટૂંપો આપીને મોતને ઘાત ઉતાર્યા બાદ પોતે પણ મોતની છલાંગ લગાવી હોવાની થિયરી સામે આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંમતનગર સ્થિત નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરના B-1 બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પરથી છાયા કલાસવા નામની સ્ટાફ નર્સની લાશ મળી આવી હતી. જ્યાં તપાસ કરવા પહોંચેલી પોલીસની ટીમને આજ બ્લોકના ચોથા માળે આવેલ 402 નંબરની રૂમમાં રહેતા ટ્યૂશન ટીચર ડિમ્પલ પટેલની લાશ મળી આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી પોલીસની ટીમે બન્ને મૃતકોના પતિ, સગા-સબંધી, પાડોશીઓ તેમજ સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી મૃતક ટ્યુશન ટીચર ડિમ્પલના પતિ ભાવેશ પટેલને સ્ટાફ નર્સ છાયા કલાસવા સાથે આડાસબંધ હતા. જેના કારણે બન્ને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
આ દરમિયાન ગુરુવારે બપોરે છાયા કલાસવા ઝઘડો કરવા ડિમ્પલના ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝપાઝપી થતાં ઉશ્કેરાયેલા છાયા કલાસવાએ ડિમ્પલ પટેલનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જો કે ડિમ્પલની હત્યા બાદ ગભરાઈ ગયેલા છાયા કલાસવા તેના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પાઈપ પકડીને ઉતરવા જતાં નીચે પટકાઈને મોતને ભેટ્યા હોવાનું માલૂમ પડ્યું છે.
હાલ તો આ મામલે મૃતક ડિમ્પલ પટેલના પિતા પોતાના જમાઈ અને છાયાબેનના પતિ પણ ભાવેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. જેમની ફરિયાદના આધારે હિંમતનગર એ-ડિવિઝન પોલીસ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.
