Gandhinagar: ભાજપ દ્વારા દેશભરમાં પાર્ટીના પ્રાથમિક સભ્ય બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પ્રાથમિક સભ્ય બન્યા બાદ આજથી ભાજપના સક્રિય સભ્ય બનાવવાની શરૂઆત રવામાં આવી છે. જે અંતર્ગત આજે કોબા સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ભાજપના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યું હતુ.
આ તકે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું કે, આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટૂંક દિવસમાં ભરાવવામા આવશે.
સમગ્ર ગુજરાતમા સંગઠનના પદાધીકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંકમાંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે, તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે. તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, અંદાજે 45 દિવસમાં એક કરોડ 8 લાખ પ્રાથમિક સભ્ય નોંધાયા છે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉંમર, વિધાનસભા,મોબાઇલ નંબર,એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે કાર્યર્કતાએ 100 સભ્યો બનાવ્યા હશે તેમજ પાર્ટીમાં ભવિષ્યમાં સારી રીતે કામ કરનાર અને પાર્ટીમાં સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.
