Rajkot: શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા કારખાનેદારના ઘરે દિવાળીની સાફ-સફાઈ કરવા આવેલા 4 શખ્સો તિજોરીમાં રાખેલા રૂ.14 લાખની સફાઈ કરી ગયા હોવાનો મામલો તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો. જો કે પોલીસે રાતોરાત ચારેય ચોરોને ઉઠાવી લઈને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. B-1002માં રહેતા અને રીયલ એસ્ટેટ બાંધકામનું કામકાજ કરવા સાથે રાધે પોલીમર્સ અને યુનિક પોલીમર્સ નામના બે કારખાના ધરાવતા હરસુખભાઈ ઠુમર (53)એ પોતાના ઘરે રૂ. 14 લાખની ચોરી થયાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં હરસુખભાઈએ જણાવ્યું કે, ગત 16 ઑક્ટોબરના રોજ તેમના પત્નીએ દિવાળી નિમિત્તે ઘરની સાફ-સફાઈ કરવા માટે પાડોશમાં રહેતા મિત્તલ કથિરીયાને વાત કરી હતી. મિત્તલ કથિરીયાએ પોતાના ઘરની સાફ-સફાઈ માટે બહારથી માણસો બોલાવ્યા હતા. આથી ફરિયાદીના પત્નીએ મિત્તલ કથિરીયા પાસેથી સાફસફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવનાર પ્રભુભાઈ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જેથી 5000 હજાર રૂપિયામાં ડીલ ફાઈનલ કરવામાં આવી હતી.
જે બાદ ગઈકાલે સવારે 9 કલાકે ફરિયાદી કામ પર ગયા હતા. આ સમયે તેમના માતા-પિતા અને પત્ની ઘરે હાજર હતા, ત્યારે પ્રુભુ પોતાની સાથે 3 માણસોને લઈને સાફસફાઈ કરવા આવ્યો હતો. રાતે હરસુખભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેમણે બેડરૂમના કબાટમાં રાખેલા રૂ. 14 લાખ ચેક કરતાં તે મળી આવ્યા નહતા. જેથી તેઓને ઘરે સાફસફાઈ કરવા આવેલા પ્રભુ સહિતના ઈસમો પર શંકા જતાં તેમણે તાત્કાલિક તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે તાલુકા પોલીસ મથકના પીઆઈ બી.એમ. હરિપરા અને તેમના સ્ટાફે તપાસ કરી ચારેય શખ્સોને ઉઠાવી લઈ ચોરીનો મુદ્દામાલ કબ્જો કરવા વધુ તપાસ શરૂ કરી છે.
