Ahmedabad Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની સત્તાવાર વિદાય થઈ હોવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં આજે અમદાવાદમાં ખરા બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ તૂટી પડ્યો છે.
આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ નોંધાયું હતુ. જેના કારણે વહેલી સવારથી શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.
બપોરે 3 વાગ્યા બાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને વસ્ત્રાપુર, સિંધુભવન રોડ, સેટેલાઈટ, એસ.જી. હાઈવે, થલતેજ, વાસણા, યુનિવર્સિટી રોડ, નવરંગપુરા, નારણપુરા, અંજલી ચાર રસ્તા, પાલડી, વાડજ, રાણીપ ઉપરાંત શાહીબાગ, શાહપુર, અસારવા જેવા વિસ્તારોમાં અચાનક વરસાદ તૂટી પડ્યો હતો.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લેતા શહેરીજનો નિશ્ચિંત બની ગયા હતા. એવામાં આજે અચાનક વરસાદ તૂટી પડતા ઘરેથી રેઈનકોટ અને છત્રી લીધા વિના નીકળેલા લોકોને પલળવાનો વારો આવ્યો હતો.
