Ahmedabad Rain Update: અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, અમદાવાદ શહેરમાં અત્યાર સુધી સિઝનનો કુલ સરેરાશ 2.49 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ઓગણજ અને રાણીપમાં સૌથી વધુ વરસાદ
AMC કંટ્રોલ રૂમ દ્વારા જાહેર વરસાદના સત્તાવાર રિપોર્ટ મુજબ, મધ્ય રાત્રે 12:00 વાગ્યાથી 2:00 વાગ્યાના બે કલાકના સમયગાળા દરમિયાન શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયો છે. ઓગણજ વિસ્તારમાં સૌથી વધુ 71.50 મીમી વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત રાણીપમાં 61.00 મીમી (2.40 ઈંચ), ગોતામાં 55.00 મીમી (2.17 ઈંચ) અને સરખેજમાં 53.00 મીમી (2.09 ઈંચ) વરસાદ નોંધાયો છે. ઝોન અનુસાર વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 108.27 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 77.43 મીમી વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકનો વરસાદ
| ઝોન | કુલ વરસાદ (મીમી) |
|---|---|
| પૂર્વ (East) | 27.81 |
| પશ્ચિમ (West) | 42.79 |
| ઉત્તર પશ્ચિમ (North West) | 62.36 |
| દક્ષિણ પશ્ચિમ (South West) | 46.21 |
| મધ્ય (Central) | 33.38 |
| ઉત્તર (North) | 26.10 |
| દક્ષિણ (South) | 35.38 |
| સરેરાશ (Average) | 39.15 |
વાસણા બેરેજ અને શહેરના અંડરપાસની સ્થિતિ
અમદાવાદ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે 5 જુલાઈએ સવારે 10 વાગ્યે વાસણા બેરેજનું લેવલ 132.50 ફૂટ નોંધાયું છે, અને કેનાલમાં 600 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં વાસણા બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સલામતીના ભાગરૂપે મધ્યરાત્રે કેટલાક અંડરપાસ બંધ કરવા પડ્યા હતા.
અખબારનગર અંડરપાસ રાત્રે 1:00 વાગ્યે બંધ કરી વહેલી સવારે 4:55 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. તેવી જ રીતે મીઠાખળી અંડરપાસ 1 કલાક 40 મિનિટ માટે અને મકરબા અંડરપાસ 4 કલાક 40 મિનિટ માટે બંધ રાખી ફરી ખોલી દેવાયા છે. AMC દ્વારા જણાવવામાં આવ્યું કે, હાલમાં શહેરના તમામ રોડ અને અંડરપાસ વાહનવ્યવહાર માટે કાર્યરત છે.

પાણી ભરાવા અને ખાડાઓની સ્થિતિ પર નજર
વરસાદ દરમિયાન પડેલા ખાડાઓ અને પાણી ભરાવાની સમસ્યાનો મનપા તંત્ર દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ 70 પોટ હોલ્સ નોંધાયા છે, જેના સમારકામની કામગીરી કોલ્ડ મિક્સ અને હોટ મિક્સ ટેકનોલોજી દ્વારા ચાલી રહી છે. ઝાડ પડવા અંગે 3 અને ભયજનક મકાન અંગે 1 ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનોને 'SCADA' (સ્કાડા) સિસ્ટમથી કનેક્ટ કરવામાં આવ્યા છે, જેનું કંટ્રોલ રૂમમાંથી લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે. આ સાથે શહેરમાં લગાવેલા 1095 CCTV કેમેરા અને અંડરપાસના 44 કેમેરા મળી કુલ 1139 કેમેરા દ્વારા કંટ્રોલ રૂમથી શહેરની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
