Rajkot: બે બાળકો જન્મતાની સાથે જ મોતને ભેટતા આઘાતમાં જનેતાએ જિંદગી ટૂંકાવી, પંખાના હુકમાં સાડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો

પ્રેગ્નેન્ટ દેરાણી આરામ કરતી હતી, ત્યારે જ જેઠાણીએ રૂમ બંધ કરીને અંતિમ પગલું ભર્યું. સાસુઓ પુત્રવધુને લટકતી જોતા રોકકકળ કરી મૂકી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Oct 2024 04:24 PM (IST)Updated: Fri, 18 Oct 2024 04:24 PM (IST)
rajkot-news-mother-committed-suicide-after-two-children-dying
HIGHLIGHTS
  • માલિયાસણ ગામની કરૂણ ઘટના
  • મૃતકે 4 વર્ષમાં જ બે બાળકો ગુમાવ્યા

Rajkot: રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ગામે કરૂણ ઘટના સામે આવી છે. જેમાં 25 વર્ષીય પરિણીતાએ પંખાના હુકમાં સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. લગ્નના 4 વર્ષમાં જ બે બાળકો ગુમાવતા આઘાતમાં સરી પડેલી પરિણીતાએ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, માલિયાસણ ગામમાં રહેતી કાજલ ટોયટા (25) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભરવાડ સમાજમાં ઘેરો શોક છવાઈ ગયો છે. આ બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકનો કાફલો દોડી આવ્યો હતો અને પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલીની આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક કાજલનું પિયર મોરબી રોડ પર આવેલ વેલનાથપરામાં આવેલ છે. જેના 4 વર્ષ અગાઉ માલિયાસણ ગામમાં રહેતા મોનાભાઈ સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ કાજલ સાસુ-સસરા, દિયર-દેરાણી સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના એક વર્ષ બાદ તેણીને સારા દિવસો રહ્યા હતા અને 8માં મહિને તેણીએ બાળકને જન્મ આપતા પરિવારમાં હરખ છવાઈ ગયો હતો. જો કે બાળકને જન્મતાવેત કાચની પેટીમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો, જ્યાં દોઢ મહિનાની સારવારને અંતે બાળકનું મોત નિપજ્યું હતુ.

થોડા સમય બાદ ફરીથી કાજલ પ્રેગ્નેનેટ થઈ હતી, પરંતુ અધૂરા પાંચમા મહિને પ્રસુતિ થઈ જતા એક દિવસની ટૂંકી સારવારના અંતે બીજા બાળકે પણ દમ તોડ્યો હતો. જેના કારણે કાજલ આઘાતમાં સરી પડી હતી.

ગઈકાલે કાજલના પતિ, સાસુ, સસરા અને દીયર સહિતના સભ્યો કામ પર ગયા હતા. આ સમયે તેની દેરાણી જે પ્રેગ્નેન્ટ હોવાથી ઉપરના માળે આરામ કરતી હતી, ત્યારે કાજલે રૂમ બંધ કરીને સાડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બપોરના સમયે સાસુ ઘરે આવતા પુત્રવધુને લટકતી જોતા રોકકકળ કરી મૂકતા પાડોશીઓ દોડી આવ્યા હતા અને કાજલને નીચે ઉતારીને સિવિલ હોસ્પિટલ મોકલી હતી.