સાબરકાંઠા સાયબર ક્રાઈમને મોટી સફળતાઃ હિંમતનગરમાંથી રૂ. 14 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતી મ્યુલ એકાઉન્ટ સિન્ડિકેટનો પર્દાફાશ, 9ની ધરપકડ

સાબરકાંઠા પોલીસે 'ઓપરેશન મ્યૂલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડના 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સિન્ડિકેટે 12 મ્યૂલ બેંક ખાતાઓ દ્વારા ₹14 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Sep 2026 10:16 PM (IST)Updated: Tue, 01 Sep 2026 10:16 PM (IST)
sabarkantha-news-himmatnagar-cyber-crime-unearth-rs-1424-crore-mule-account-syndicate-9-arrested

Sabarkantha Cyber Crime: સાબરકાંઠામાં 'ઑપરેશન મ્યૂલ હન્ટ' હેઠળ પોલીસને મોટી સફળતા સાંપડી છે. જે અંતર્ગત હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસની ટીમે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં આરોપીઓએ મ્યૂલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને રૂ. 14 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્જેક્શન કર્યા હોવાનું ખુલ્યું છે.

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર મળેલી 17 જેટલી ફરિયાદોના આધારે સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા હોય તેવા હિંમતનગર અને ઈડરની આસપાસના વિસ્તારોમાંથી 12 જેટલા બેંક ખાતા મળી આવ્યા હતા.

આ મામલે સાયબર ક્રાઈમની ટીમે 9 આરોપીઓની અટકાયત કરી હતી. આ 12 મ્યુલ એકાઉન્ટ મારફતે કુલ 14.24 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું છે. આ ખાતાઓમાં મોટાભાગની રકમ ડબ્બા ટ્રેડિંગ સહિત ગેરકાયદેસર રીતે આવી હોવાનું માલૂમ પડ્યું છે.

મ્યુલ ખાતા ધારકની ઓળખ કાર્તિકજી ઠાકોર, સંજય પટેલ, પ્રવિણ ઠાકરડા તરીકે થઈ છે. જ્યારે ખાતા ધારકોને કમિશન ચૂકવીને ફ્રોડ કરાવનાર આરોપીઓની ઓળખ મહેશજી ઠાકોર, રસિકજી ઠાકોર, મહેશજી ઠાકોર, નરેશજી ઠાકોર, જીગરજી ઠાકોર અને આનંદજી ઠાકોર તરીકે થઈ છે. અટકાયતમાં લેવાયેલા આ તમામ આરોપીઓ ઉત્તર ગુજરાતના મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના રહેવાસી છે, જ્યારે અશોક મકવાણા નામનો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

કાયદાથી અજાણ ખાતા ધારકને ચોક્કસ કમિશન આપવામાં આવતું હતુ

ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે મ્યુલ બેંક એકાઉન્ટની જરૂર પડતી હોવાથી સાયબર ગઠિયાઓ કાયદાથી અજાણ હોય તેવા સામાન્ય લોકોને ટાર્ગેટ કરતા હતા. સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન છેતરપિંડી કરીને મેળવેલી રકમ મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. જે બાદ ફ્રોડની રકમમાંથી ખાતા ધારકને નક્કી કર્યા મુજબ 1 થી 4 ટકા જેટલું કમિશન ચૂકવવામાં આવતું હતુ. જ્યારે બાકી વધેલી રકમ ચેક તેમજ ATM દ્વારા ઉપાડ્યા બાદ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.