Vadodara: લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે મનપાની લાલ આંખ, ખોડિયારનગરમાં ગંદકી વચ્ચે ગેરકાયદે ધમધમતા પાણીપુરીના 40 એકમો ધ્વસ્ત

આ યુનિટોમાં કામ કરતા કામદારો કે સંચાલકો પાસે કોઈ પ્રકારના ભાડા કરાર કે મકાન-દુકાનના આધારભૂત પુરાવા નહોતા. જરૂરી દસ્તાવેજો અને ઓળખના પુરાવાઓના અભાવે આ એકમોને નિયમોનુસાર ફૂડ લાયસન્સ મળવું પણ અસંભવ હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Sep 2026 08:43 PM (IST)Updated: Tue, 01 Sep 2026 08:43 PM (IST)
vadodara-municipal-corporation-demolishes-40-illegal-and-unhygienic-panipuri-units-in-khodiyarnagar

પ્રશાંત ગજ્જર, Vadodara News: વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અસમાજિક તત્વો અને ગેરકાયદે ધંધાદારીઓ સામે વડોદરા મહાનગરપાલિકાએ કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. મંગળવારના રોજ પાલિકાની ખોરાક શાખા અને દબાણ શાખા દ્વારા સંયુક્ત રીતે એક મોટી ડ્રાઇવ યોજવામાં આવી હતી.

જે અંતર્ગત ખોડિયાર નગર વિસ્તાર અંતર્ગત આવતા બ્રહ્માનગર અને ક્રિષ્નાનગર વિસ્તારમાં ધમધમતા ગેરકાયદે પાણીપુરીના ઉત્પાદન એકમો પર પાલિકાનું બુલડોઝર અને તપાસ ટીમ ત્રાટકી હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો.

'અલ નીનો'ની ઘાતક અસર વચ્ચે અંબાલાલ પટેલની આગાહીઃ 6 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે, ગુજરાતના આ ભાગો ભીંજાશે

આ કાર્યવાહી દરમિયાન સામે આવ્યું કે, આ યુનિટોમાં અત્યંત દયનીય અને ગંદી પરિસ્થિતિમાં પાણીપુરી તૈયાર કરવામાં આવતી હતી. મચ્છરો, ગંદકી અને રોગચાળો ફેલાવે તેવી હાઇજેનિક વિરુદ્ધની સ્થિતિમાં બનતી આ પાણીપુરી સીધી જ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે તેમ હતી. ખોરાક શાખાના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તપાસી હતી અને ગંદકી જોઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

તપાસ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા કે, આ યુનિટોમાં કામ કરતા કામદારો કે સંચાલકો પાસે કોઈ પ્રકારના ભાડા કરાર કે મકાન-દુકાનના આધારભૂત પુરાવા નહોતા. જરૂરી દસ્તાવેજો અને ઓળખના પુરાવાઓના અભાવે આ એકમોને નિયમોનુસાર ફૂડ લાયસન્સ મળવું પણ અસંભવ હતું.

કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી કે કાયદેસરની પરવાનગી વગર ધમધમતી આ ફેક્ટરીઓ સામે પાલિકાએ આકરા પાણીએ થઈને કાયદાકીય શિસ્તના ભાગરૂપે કડક પગલાં લીધા હતા.

દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આશરે 40 જેટલી પાણીપુરી બનાવવાની ભઠ્ઠીઓ અને ગેરકાયદે શેડ્સને તોડી પાડ્યા હતા. પાલિકાની આ અચાનક અને આક્રમક કાર્યવાહીથી ગેરકાયદે ધંધા ચલાવનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરમાં જો કોઈ પણ વ્યક્તિ નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરશે કે ગેરકાયદેસર રીતે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરશે, તો તેની સામે આવી જ લાલ આંખ કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ આવા જ ધમધમતા અન્ય યુનિટો પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે