Ambalal Patel Rain Forecast: આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં ઓગસ્ટ મહિનો વરસાદની દ્રષ્ટિએ સૌથી નબળો રહ્યો છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તો અમીછાંટણા જેવો પણ વરસાદ ના વરસતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે.
પાક નુકસાન જવાની બીકે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે અને સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ખેંચાવા પાછળનું વૈજ્ઞાનિક કારણ જણાવવા સાથે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, તેને લઈને મોટી આગાહી કરી છે.
ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ અલનીનોની ઘાતક અસર તીવ્રતાથી અનુભવાશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, પેસિફિક મહાસાગરમાં 'અલ નીનો' નામનો મહાદાનવ સક્રિય થયો છે. જેની ઘાતક અસર ઓગસ્ટ બાદ સપ્ટેમ્બર મહિનામાં પણ અનુભવાશે. અત્યારે પેસિફિક મહાસાગરમાં 13 જેટલી વરસાદી સિસ્ટમો બનેલી છે, જે બંગાળના ઉપસાગર, દક્ષિણ બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો તમામ ભેજ પોતાની તરફ ખેંચી રહી છે.
આ ઉપરાંત દક્ષિણ ચીનમાં વારંવાર બનતા ચક્રવાતના કારણે બંગાળના ઉપસાગર અને અરબ સાગરનો ભેજ ચીન તરફ ખેંચાઈ જાય છે. આ સિવાય દક્ષિણ ગોળાર્ધમાં મિસો વેવ (Miso Wave) કે અન્ય મોજાં સક્રિય ન થવાના કારણે પણ ગુજરાતમાં વરસાદ નથી પડતો.
દક્ષિણ બંગાળનો ઉપસાગર સક્રિય ના થાય ત્યાં સુધી સારા વરસાદની શક્યતા નહીવત
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ઉત્તર બંગાળનો ઉપસાગર સક્રિય થાય છે, પરંતુ તેની વરસાદી સિસ્ટમો મધ્ય પ્રદેશ સુધી આવીને સીધી ઉત્તર-પૂર્વના ભાગો તરફ ફંટાઈ રહી છે. આથી જ્યાં સુધી દક્ષિણ બંગાળનો ઉપસાગર સક્રિય ના થાય, ત્યાં સુધી ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા નથી.
હાલ વાતાવરણના નીચલા સ્તરમાં પૂરતો ભેજ છે, પરંતુ 3 કિલોમીટરથી ઉપરના સ્તરોમાં ભેજનો અભાવ વર્તાય છે. જો ઉપલા અને નીચલા ભાગમાં ભેજ થાય તો વરસાદ આવે, તો વરસાદ પડે, પરંતુ ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન તરફથી સતત સૂકા પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વરસાદી વાદળો બંધાતા નથી. તેમજ મોન્સૂન ટ્રફ હાલ ઉત્તર તરફ જઈ રહ્યો છે. જ્યાં સુધી આ ટ્રફ નીચે નહીં આવે ત્યાં સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ રહેશે
સપ્ટેમ્બર મહિનામાં વરસાદના રાઉન્ડ આવતા રહેશે, 6-7 તારીખે વરસાદનું જોર વધી શકે
અલનીનોની અસર વચ્ચે પણ સપ્ટેમ્બર મહિનામાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનવા જઈ રહી છે. આ સિસ્ટમોથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની મોટી આશા બંધાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાનારી નવી સિસ્ટમ 3 સપ્ટેમ્બર આસપાસ ભારત નજીક આવશે અને 4-5 સપ્ટેમ્બરના રોજ તે ગુજરાતની વધુ નજીક પહોંચશે. જેના પરિણામે પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ વગેરે ભાગોમાં તેમજ મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કોઈ-કોઈ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
જો આ સિસ્ટમ મજબૂત થઈને આગળ વધશે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા-મધ્યમથી લઈને 2 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ અને મહત્તમ 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે.
પૂર્વ ગુજરાતના ભાગોમાં ખાસ કરીને 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે, જે પૈકી 6 અને 7 સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતા વધી શકે છે. જે બાદ આ વરસાદ ઉત્તર-પૂર્વીય ભાગો તરફ ખેંચાઈ જશે.
અંબાલાલ પટેલના મતે દક્ષિણ ચીનના ચક્રવાતના અવશેષો સમુદ્રમાં આવવાના કારણે 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં વધુ એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમની અસરથી 12 સપ્ટેમ્બર પછી વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યના કોઈ-કોઈ ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કોઈ-કોઈ ભાગોમાં વરસાદ વરસી શકે છે.
