Sabarkantha: ગુજરાતમાં પોતાના દૂધના યોગ્ય ભાવની માંગ કરી રહેલા પશુપાલકો અને ખેડૂતો પર રાજ્ય સરકાર દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં એક પશુપાલકનું મોત થયું હતું. આ ગંભીર મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના મહેમાન બન્યા છે, ત્યારે આજે મોડાસામાં આમ આદમી પાર્ટી દ્વારા પશુ પાલકો અને ખેડૂતોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આપ નેતાઓએ ખેડૂતો અને પશુપાલકોને પોતાનું સમર્થન જાહેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, આજે સાબરકાંઠાની ભૂમિ ન્યાય માંગી રહી છે, પોતાનો હક માંગી રહી છે અને સન્માન માંગી રહી છે. થોડા દિવસ પહેલાં જ્યારે પશુપાલક ભાઈઓ દૂધના ભાવ ફેરની માંગણી લઈને ડેરી સમક્ષ ગયા, ત્યારે સરકારે પશુપાલકો પર લાઠીચાર્જ કરાવ્યો અને ટીયર ગેસના સેલ છોડાવ્યા. જેમાં આપણે આપણા એક ગરીબ પશુપાલક ભાઈને ગુમાવી દીધો, જેનું મને ખૂબ જ દુઃખ છે. આજે હું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પશુપાલકોને સમર્થન આપવા માટે આવ્યા છીએ.
પશુપાલકો ભાવફેરની માંગણી લઈને ગયા તો તેમને ફક્ત 9.5% ભાવ ફેર આપવાની જાહેરાત કરવામાં આવી. અગાઉના વર્ષોમાં પશુપાલકોને 16 થી 17% ભાવ ફેર મળતો હતો. મારો સવાલ છે કે, હવે શા માટે 9.5% ભાવ ફેર મળી રહ્યો છે? ઉપરના પૈસા ક્યાં ગયા?
સરકારે આ પશુપાલકો સાથે બેસીને વાતચીત કેમ ન કરી? વાતચીત કરવાની જગ્યાએ આ લોકોએ પશુપાલકો પર બેરહેમીપૂર્વક હુમલો કર્યો અને લાઠીઓ ચલાવી — એ ભાજપનો અહંકાર છે. મને ત્યારે વધારે આશ્ચર્ય થયું જ્યારે અશોક ચૌધરીનું મૃત્યુ થઈ ગયું તેમ છતાં પણ આજે સુધી તેમના માટે કોઈ વળતરની જાહેરાત કરવામાં આવી નથી.
હું આજે મોડાસાના આ મંચ પરથી માંગ કરું છું કે, મૃતક અશોક ચૌધરીના પરિવારને ડેરી તરફથી એક કરોડ અને ગુજરાત સરકાર તરફથી એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. વળતરની વાત તો દૂર રહી પરંતુ ગુજરાત સરકાર ખેડૂતોને પશુપાલકોને ઘરોમાં જઈને ડરાવી ધમકાવી રહી છે.
1985માં જ્યારે કોંગ્રેસને 149 સીટો મળી હતી, ત્યારે તેને ભારે અભિમાન આવી ગયો અને ફક્ત બે વર્ષ બાદ 1987માં કોંગ્રેસે ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 ખેડૂતોના મોત થયા હતા. જે બાદ એ કોંગ્રેસની સરકાર ફરીથી પાછી ન આવી. હવે હું ભાજપને પણ કહેવા માગું છું કે તમારી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. અશોક ચૌધરીની શહાદત વ્યર્થ નહીં જાય.
થોડા સમય પહેલા રાહુલ ગાંધી આવ્યા હતા અને એમણે કહ્યું હતું કે અમુક ઘોડા લગ્નના ઘોડા હોય છે અને અમુક રેસના ઘોડા હોય છે, પરંતુ હું તેમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાંબી રેસના ઘોડા છે અને અમારા કાર્યકર્તાઓ સિંહ છે. આમ આદમી પાર્ટી ગુજરાતના કોઈપણ નેતા ભાજપથી ડરે તેમ નથી. હાલ આમ આદમી પાર્ટીના મજબૂત ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવાને ભાજપે ખોટા આરોપોમાં ફસાવીને જેલમાં પૂર્યા છે.
મારો સવાલ છે કે ચૈતર વસાવાનો ગુનો શું હતો? ચૈતર વસાવા ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ વ્યક્તિ છે. તેઓ આદિવાસી સમાજ માટે સતત કામ કરે છે અને આજે સમગ્ર આદિવાસી સમાજના લોકો તેમને પોતાનો નેતા માને છે. તેમની લોકપ્રિયતા વધતી જઈ રહી હતી અને તેઓ વારંવાર ભ્રષ્ટાચાર બહાર લાવતા હતા, તેથી તેમને ખોટા આરોપમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય વિપક્ષની ભૂમિકામાં નથી રહી, તેની ભાજપ સાથે સાંઠગાંઠ: માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું ક, છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોઈ વિપક્ષ ન હતો. કોંગ્રેસ ક્યારેય પણ વિપક્ષની ભૂમિકામાં ન હતી, તે હંમેશા ભાજપની સાથે મળેલી હતી. જો કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં હોત, તો આજે અહીંયા ખેડૂતો અને પશુપાલકોના સમર્થનમાં આવીને ઉભી હોત. હવે ગુજરાતના લોકોને આમ આદમી પાર્ટી રૂપે નવો વિકલ્પ મળી ગયો છે. ગુજરાતમાં આમ આદમી ધીમે-ધીમે આગળ વધી રહી છે.
પંજાબમાં આજે આમ આદમી પાર્ટીની સરકાર હોવાથી ખેડૂતોને સવારે મફત વીજળી મળે છે. ઘરગથ્થુ વીજ ઉપભોક્તાઓને દર મહિને 300 યુનિટ વીજળી મફત મળે છે. પરિણામે, જ્યારે બે મહિનાનું બિલ આવે છે ત્યારે પંજાબના 88% ઘરોમાં વીજળીનું બિલ શૂન્ય આવે છે. દિલ્હીમાં જ્યારે અરવિંદ કેજરીવાલ 10 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા, ત્યાં સુધી લોકોને મફત વીજળી મળતી રહી હતી.
