Ambalal Patel Agahi: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર આગમન થયાને દોઢ મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. જો કે થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ શરૂ કરી છે, પરંતુ વરસાદની તીવ્રતા હજુ પણ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 27 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વરસાદનું એક મજબૂત વહન ગુજરાત પરથી પસાર થવાનું છે. જેના કારણે આગામી 27 જુલાઈથી ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
જેમાં 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના જિલ્લાઓ મહીસાગર, વડોદરા તેમજ ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધશે અને સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. જેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે.
આ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં 8 થી 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હાલ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો નોંધાયો છે, ત્યાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ પડશે.
27 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી પડનારા વરસાદના આ રાઉન્ડમાં ગુજરાતના અનેક ભાગો જળબંબાકાર બની જશે. જળાશયોમાં નવા નીરની આવક થશે. કેટલાક ભાગોમાં ખેતરો બેટમાં ફેરવાઈ શકે છે. આ વહન સમયે પવનની ગતિ પણ વધારે રહેશે. સુસવાટા મારતા પવન સાથે વરસાદની ગતિ વધારે રહેશે, જેના પરિણામે નીચાણવાળા ભાગોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની જરૂર છે.
