Patidar Chaudhary Unity Appeal: વિધાનસભા 2027ની ચૂંટણી પૂર્વે દ્વારકા ખાતે ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજના મુખ્યમંત્રી હોવાનું નિવેદનથી રાજકીય ગલિયારામાં ચર્ચાનો માહોલ જામ્યો હતો. તેવામાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે અર્બુદાધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રશાસક પ્રફુલ પટેલે પાટીદાર અને આંજણા ચૌધરી સમાજને એક થવાની કરેલી અપીલ માત્ર સામાજિક સંદેશ પૂરતી નથી. પરંતુ તેની પાછળ ઉત્તર ગુજરાતના રાજકીય અને ચૂંટણીલક્ષી સમીકરણો જોડાયેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં આ હાકલે 12 વર્ષ પહેલા શરુ થયેલા અનામત આંદોલનના ઇતિહાસ અને વર્તમાન રાજકીય જરુરિયાતોને ફરી ચર્ચામાં લાવી દીધી છે.
એકતાની અપીલ અને સામાજિક સંદેશ
અર્બુદા ધામના મંચ પરથી પ્રફુલ પટેલે મા ખોડલ, મા ઉમિયા અને મા અર્બુદાને સગી બહેનો ગણાવીને તેમના સંતાનો વચ્ચેના ભેદ દૂર કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કડવા અને લેઉવા પાટીદાર વચ્ચેના ભએદ ભૂલવા અને ચૌધરી સમાજને પણ પાટીદાર સામાજિક ઓળખ સાથે જોડવા આહ્વાન કર્યું હતું. આ સાથે ઊંઝા ઉમિયાધામના પ્રમુખ એમ.એસ પટેલે બંને સમાજ વચ્ચે રોટી-બેટીના વ્યવહાર થવા જોઈએ તેવી વાચ મૂકીને સામાજિક જોડાણને વધુ મજબૂત કરવાની દિશામાં સંકેત આપ્યો હતો.
12 વર્ષ પહેલાં અને હાલની સ્થિતિ
12 વર્ષ અગાઉ પાટીદાર અને ચૌધરી સમાજ વચ્ચેની આંતરિક સ્પર્ધામાંથી જ અનામત આંદોલનના બીજ રોપાયા હતા. તે સમયે હાર્દિક પટેલ સહિતના આગેવાનો એવી દલીલ કરતા હતા કે શિક્ષિત, આર્થિક રીતે સંપન્ન અને રાજકીય રીતે મજબૂત આંજણા ચૌધરી સમાજને ઓબીસી અનામતનો લાભ મળતો હોય, તો પાટીદારોને પણ સરકારી નોકરી માટે ઓબીસી અનામત મળવી જોઈએ. રાજકીય વિશ્લેષકોના મતે, આગામી વિધાનસભા ચૂંટણી અને અગાઉના ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને આ એકતાની કવાયત મહત્વની માનવામાં આવે છે.
