વાવ થરાદ: ચૂંટણી પહેલાં ઠાકોર સમાજમાં એકતાનો હુંકાર! ગેનીબેન, અલ્પેશ ઠાકોર સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ એક મંચ પર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં દિયોદરમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન. ગેનીબેન ઠાકોરે 42 નેતાઓને એક થવાની અપીલ કરી, તો અલ્પેશ ઠાકોરે સમાજની એકતા પર ભાર મૂક્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 08:41 AM (IST)Updated: Sun, 15 Nov 2026 08:41 AM (IST)
thakor-samaj-sammelan-diyodar-geniben-thakor-alpesh-thakor-gujarat-politics

Thakor Samaj Sneh Milan Deodar: આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીના રાજકીય સમીકરણો વચ્ચે ઉત્તર ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી છે. વાવ-થરાદ જિલ્લાના દિયોદર સ્થિત ઠાકોર બોર્ડિંગ ખાતે આયોજિત ઠાકોર સમાજના નવા વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમમાં પક્ષાપક્ષી ભૂલીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગ્જ રાજકારણીઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. આ સંમેલનમાં સમાજની તાકાત બતાવવા અને 2027માં એકતા જાળવી રાખવા માટે નેતાઓએ મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા.

ગેનીબેનની ડિનર ડિપ્લોમસીની સલાહ

દિયોદર ખાતે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજના નેતાઓને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને એક થવા હાકલ કરી હતી. તેમણે રાજ્યના ઠાકોર સમાજના તમામ 42 ધારાભ્યો અને સાંસદોન એક જ હોટલમાં જમવા માટે એકઠા થવાની સલાહ આપી હતી. જેથી રાજયના રાજકારણમાં સમાજની એકતાની નોંધ લેવાય. આ સાથે જ તેઓએ ચેતવણીના સૂરમાં કહ્યું કે, જો તમે ભેગા નહીં થાવ તો સમાજનો ક્યાંય મેળ નહીં... આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, ઠાકોર સમાજ જ્યારે એક મંચ પર આવે ત્યારે જ પરિણામ આવે છે. જો 42 નેતાઓ એક જ જગ્યાએ ભેગા થાય તો અન્ય સમાજો પણ તેમાંથી પ્રેરિત થશે,

સમાજની એકતા કાયમ રહેવી જોઈએ-અલ્પેશ ઠાકોર

ઠાકોર સમાજના સંમેલનમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ચૂંટણીઓતો આવતી જતી રહેશે. પરંતુ ઠાકોર સમાજની એકતાં હમેશા કાયમ રહેવી જોઈએ. આ પ્રસંગે તેઓએ ગાંધીનગર મનપાના નવનિયુક્ત મેયર રુપસિંહ ઠાકોરને પોતાના બોસ ગણાવીને હળવાશભર્યો માહોલ સર્જ્યો. તેની સાથે ઠાકોર સમાજના યુવાધનને સોશિયલ મીડિયા પર મર્યાદા જાળવવા ખાસ ટકોર પણ કરી હતી.

મંચ પર ઠાકોર સમાજના દિગ્ગજો ઉપસ્થિત

આ ઐતિહાસિક સ્નેહમિલનમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર સહિત સમાજના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.